હિંમતનગર ખાતે આઈ. સી. ડી. એસ દ્વારા જિલ્લા કક્ષાનો “વાલીઓ સાથેનો સંવાદોત્સવ” અને ભુલકા મેળો યોજાયો
સાબરકાંઠા જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા પુર્વ પ્રાથમિક શિક્ષણ પ્રોજેક્ટ “પા પા પગલી” અંતર્ગત આંગણવાડીના ૩-૬ વર્ષના બાળકોના વિકાસને ધ્યાને રાખી “શિક્ષણની વાત, વાલિઓ સાથેનો સંવાદોત્સવ” રૂપે ભુલકા મેળા કાર્યક્રમનું આયોજન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલની અધ્યક્ષતામાં હિંમતનગર ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા પા પા પગલી યોજના થકી આંગણવાડીમાં આવતા બાળકોના જીવનમાં મહત્વના વર્ષોમાં ગુણવત્તા પૂર્ણ જીવન માટેનો મજબૂત પાયો નંખાય અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. આંગણવાડીમાં કાર્યકર અને તેડાગર બહેનો માતા યશોદા બની બાળકોનો માનસિક, સામાજિક અને સર્જનાત્મક વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ કરી બાળકોના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપે છે.
આ કાર્યક્રમમાં પરખ સંસ્થાના સંચાલકશ્રી કુ.કૌશલ્યા કુંવરબાએ જણાવ્યું હતું કે બાળકોની આંતરિક શક્તિઓને ખીલવવા માટે આંગણવાડીની બહેનોનો વિશેષ ફાળો રહેલો છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે વાલી સાથેનો સંવાદોત્સવ ખૂબ જરૂરી બની જાય છે.રાજ્ય સરકાર દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ મળી રહે તે માટે પોષણ કીટ આપવામાં આવે છે. સાથે જ સરકાર કિશોરીઓના સ્વાસ્થ્યની પણ દરકાર કરી છે. મહિલા અને બાળ સમિતિના ચેરમેન શ્રીમતિ લીનાબેન નીનામાએ બાળકોએ રજૂ કરેલ કૃતિ માટે અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં વાલીઓ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. ટી. એલ. એમ દ્વારા નાના બાળકો દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલા વિવિધ થીમ આધારિત મોડેલનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. તેમજ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.બાળકોને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં આરોગ્ય સમિતી ચેરમેન શ્રીમતી અનસુયાબેન ગામેતી,જિલ્લા પંચાયત સદસ્યશ્રી રેખાબા ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને ભુલકાઓ હાજર રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 999340891