Monday, March 24, 2025

ગેનીબેન ઠાકોરે માંગ્યું ગૃહમંત્રીનું રાજીનામું: કહ્યું- “ગૃહમંત્રી નૈતિકતાને ધોરણે રાજીનામું આપે”

ગેનીબેન ઠાકોરે માંગ્યું ગૃહમંત્રીનું રાજીનામું: કહ્યું- “ગૃહમંત્રી નૈતિકતાને ધોરણે રાજીનામું આપે”

 

રાજ્યમાં દુષ્કર્મ અને ગેંગરેપની ઘટનાઓ બાદ સાંસદ ગેનીબેન ઠાકોર આક્રમક મૂડમાં.

 

ગૃહમંત્રી અને સરકાર પર આકરા પ્રહારો કરતાં ગૃહમંત્રીનું રાજીનામું આપવાની માંગ કરી.

 

 

રાજ્યમાં દુષ્કર્મ અને ગેંગરેપની ઘટનાઓ બાદ સાંસદ ગેનીબેન ઠાકોર આક્રમક મૂડમાં. ગૃહમંત્રી અને સરકાર પર આકરા પ્રહારો કરતાં ગૃહમંત્રીનું રાજીનામું આપવાની માંગ કરી.

 

 

નવરાત્રિમાં સુરક્ષા અંગે નિવેદન આપ્યા બાદ ગુજરાતમાં દીકરીઓ પર દુષ્કર્મ અને ગેંગરેપની ઘટનાઓ સામે આવતા હવે ફરી એકવાર મહિલા સાંસદ ગેનીબેન ઠાકોર આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. પત્રકાર પરિષદ સંબોધી, ગુજરાત સરકાર અને ગૃહ મંત્રી પર સાંસદ ગેનીબેન ઠાકોર વરસ્યા હતા. તેમને ગૃહ મંત્રીના રાજીનામાની પણ માંગ કરી છે.

 

તેમણે રાજ્યમાં દુષ્કર્મ અને ગેંગરેપની તમામ ઘટનાઓ માટે જવાબદાર સરકાર અને ગૃહમંત્રી સામે આકરા પ્રહારો કર્યા હતા. વડોદરા, સુરેન્દ્રનગર, સુરત, દાહોદ અને બોટાદની ઘટનાઓને લઈને સાંસદે સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમને કહ્યું કે, ‘કાયદો અને વ્યવસ્થા કથળેલી છે. ગુનેગારો ઉપર પોલીસ સરકાર અને ગૃહ વિભાગનું કોઈ કંટ્રોલ નથી. છેલ્લા એક મહિનાની આ ઘટનાઓ જોતા સાબિત થાય છે કે દાવાઓ પોકળ છે અને એટલા માટે હું કહું છું કે રાજ્યના ગૃહ મંત્રીને એક અડધો ટકો પણ ક્યાંક નૈતિકતા અને જવાબદારી સ્વીકારવાની થતી હોય તો એ સ્વીકારીને આ પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. દેશમાં કોઈક એવા ગૃહમંત્રી બનાવો કે જેનો ખોફ વહીવટી તંત્ર પર હોય, ગૃહ વિભાગ ઉપર પૂરું કંટ્રોલિંગ હોય અને એના હિસાબે સમગ્ર રાજ્યમાં ભાઈચારાની ભાવના અને બેન-દીકરીઓને એક સુરક્ષિત ગુજરાત છે એવું મહેસુસ થાય.’

 

નવરાત્રિમાં પાંચ વાગ્યા સુધી આપેલી છૂટ મામલે ફરી એકવાર તેમણે સવાલો ઉઠાવ્યા છે. ગેનીબેને કહ્યું કે, ‘તમે નવરાત્રિની છૂટ આપી છે. તમે એ કહેવા માંગો છો કે કેફી પદાર્થોનું વેચાણએ તમારા વિભાગ મારફત થાય અને તેના હપ્તા મળે એટલા માટે કરીને તમે પાંચ વાગ્યાની છૂટ આપો છો. પાંચ વાગ્યા સુધી યુવાનો જાગે, એ ક્યાંક ડ્રગ્સ હોય, દારૂ હોય, ગાંજો હોય કે તમામ પ્રકારના જે કેફી પદાર્થો છે એ વધુ પડતા સેવન કરે અને તમારો વ્યાપાર વધુ થાય. કદાચ પાંચ વાગ્યા સુધીની છૂટ આપવામાં આટલો જ ભાવાર્થ હશે. ઉપરાંત તમને હપ્તા કઈ રીતે વધારે મળે એટલી જ વાત કદાચ હશે.’

 

આમ, ગેનીબેન ઠાકોરે દ્વારા આ પ્રકારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.  રિપોર્ટર -ફરજાના જુનેજા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores