મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે પોષણક્ષમ ભાવે મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદીનો રાજ્ય વ્યાપી પ્રારંભ હિંમતનગરથી કરાવ્યો
રાજ્યભરમાં ૯૦ દિવસ સુધી ૧૬૦થી વધુ ખરીદ ક્ષેત્ર પરથી ટેકાના ભાવે મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદી કરાશે
જગતના તાતને સમૃદ્ધ કરતી કૃષિ કલ્યાણ યોજનાઓ વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવી છે
વડાપ્રધાન શ્રીના વિઝનરી નેતૃત્વમાં ગુજરાતે પાછલા ૨૩ વર્ષમાં કૃષિ ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ કર્યો
પિયત વિસ્તાર ૬૨ લાખ હેક્ટર થયો એગ્રીકલ્ચર સેક્ટરમાં ઉત્પાદન વધીને ૨૦૨૨-૨૩માં ૨.૭ લાખ કરોડેપહોંચ્યું
મંત્રી શ્રી રાઘવજી પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ખેડૂતોના આર્થિક હિત માટે કાર્યરત
સમગ્ર રાજ્યમાં વેચાણ માટે ૩.૭૦ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે ખરીદીનો રાજ્યવ્યાપી પ્રારંભ સાબરકાંઠાના હિંમતનગરથી કરાવ્યો હતો.
પ્રાઈઝ સપોર્ટ સ્કીમ PSS અન્વયે ખેડૂતોને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુસર રાજ્યમાં ૧૬૦થી વધુ કેન્દ્રો દ્વારા ૯૦ દિવસ સુધી આ ખરીદી કરવામાં આવશે. રાજ્યભરના ૩.૭૦ લાખથી વધુ કિસાનોએ આ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા ખેડૂતોની પડખે ઊભા રહ્યા છે. જગતના તાતને સમૃદ્ધ કરતી અનેક કૃષિ કલ્યાણ યોજનાઓ તેમણે શરૂ કરાવી છે.
તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રી કહે છે કે, ખેડૂતોને પૂરતું પાણી, વીજળી, ખાતર અને પાકના ભાવો મળી રહે તો ખેડૂતો બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ખેતી અને ખેડૂતને સક્ષમ બનાવવા કરેલા કાર્યો અંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, નર્મદાના વહી જતાં પાણીને ખેતરો સુધી સિંચાઈ માટે પહોંચાડયા. પ્રત્યેક જિલ્લામાં ૭૫ જેટલા અમૃત સરોવરનું નિર્માણ અને ‘કેચ ધ રેઇન’ અંતર્ગત બોર બનાવાયા. વધુમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહે તે પ્રકારનું સુદ્રઢ આયોજન વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં થયુ છે.
આવા બધા જ સફળ આયોજનને પરિણામે ગુજરાતમાં પાછલા ૨૩ વર્ષમાં અભૂતપૂર્વ કૃષિ વિકાસ થયો છે તેની છણાવટ તેમણે કરી હતી. આ સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્યનો પિયત વિસ્તાર આજે ૬૨ લાખ હેક્ટર થઈ ગયો છે. એટલું જ નહીં, એગ્રીકલ્ચર સેક્ટરમાં ઉત્પાદન પણ વધીને ૨.૭ લાખ કરોડ થયું છે.
મુખ્યમંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતી વિશે વાત કરતાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા મુહિમ ચલાવી રહ્યા છે. ગુજરાતમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સારા પરિણામો મળ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિતિ સૌ ખેડૂતોને કહ્યું કે, જળ જમીનને બચાવવા અને રોગોથી બચવા પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું પડશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે ત્યારે આપણે સૌ પણ સંકલ્પબદ્ધ થઈ વિકસિત ભારતના નિર્માણમાં વિકસીત ગુજરાત બનાવીને આપણું યોગદાન આપીએ.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જિલ્લાના ખેડૂતોને વિવિધ યોજનાકીય સહાયના ચેક અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતો માટે ટેકાના ભાવે ખરીદી કરવાના રાજ્યવ્યાપી પ્રારંભ બદલ આનંદપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ખેડૂતોના ઉત્કર્ષ માટે કાર્યરત છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે જેના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલી કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતોના હિતમાં વિવિધ પાકો માટે ટેકાના ભાવો જાહેર કરવામાં આવે છે. ખેડૂતોના પાકની પારદર્શી રીતે પૂરતા પ્રમાણમાં ખરીદી થાય અને તેમને સમયસર નાણાં મળી રહે તે પ્રકારનું આયોજન કરાયું છે તેવું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ કૃષિમેળા જેવા આયોજનો થકી ગુજરાતે કૃષિ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી છે જેના કારણે રાજ્યના ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બન્યા છે. વધુમાં મંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી દ્વારા અતિવૃષ્ટિ જેવા સંકટમાં ખેડૂતો માટે જાહેર કરાયેલ સહાયનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ખેડૂતોના કલ્યાણ માટે મુખ્યમંત્રી શ્રી સદાય તત્પર રહ્યા છે.
આ પ્રસંગે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડો.અંજુ શર્માએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોને વિવિધ યોજનાઓ થકી નવીનતમ ટેકનોલોજીનો મહત્તમ લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર કાર્યરત છે.
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં મગફળી માટે રૂ.૬૭૮૩, મગ માટે રૂ.૮૬૮૨, અડદ માટે રૂ.૭૪૦૦ તેમજ સોયાબીન માટે રૂ.૪૮૯૨ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરાયા છે. રાજ્યના તમામ ૧૬૦ કેન્દ્રો ખાતેથી ૯૦ દિવસ સુધી ખરીદી ચાલશે.
આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભારતીબહેન પટેલ, સાંસદસભ્ય શ્રીમતી શોભનાબહેન બારૈયા, રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબહેન બારા, ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, શ્રી વી.ડી. ઝાલા, જિલ્લા કલેકટર શ્રી ડો.રતન કંવર ગઢવીચારણ, એગ્રો ઇન્ડસ્ટ્રીઝના એમ.ડી. શ્રી દીપેન શાહ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા તથા સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891