*બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી*
*છાપી સ્થિત આલીયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે પનીર લુઝ,પામોલિન તેલ અને એસિટિક એસિડનો જથ્થો કરાયો સીઝ*
*કુલ ૧,૯૪,૪૧૮ રૂપિયાનો ૯૧૫ કિલો જથ્થો સીઝ કરીને જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ*
બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા વડગામ તાલુકાના છાપી જી.આઇ.ડી.સી. સ્થિત આલીયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરો દ્વારા કરાયેલ સંયુકત રેડમાં તપાસ દરમિયાન
ઉત્પાદક પેઢીના માલિક માન્ય પરવાના વગર પનીરનું માન્ય ના હોય તેવા ઘટક તત્વો જેવા કે પામોલિન તેલ, નોન ફૂડ ગ્રેટ એસિટિક એસિડનો પનીર બનાવવા ઉપયોગ કરતા હોવાનું માલુમ પડ્યું હતું.
જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ પેઢીમાંથી પનીર લુઝનો ૬૯૪ કિલોગ્રામનો જથ્થો સીઝ કરાયો હતો જેની કિંમત રૂ. ૧,૬૬,૫૬૦ છે. આ સિવાય રૂ. ૧૫,૪૦૩નો ૧૦૩ કિલોગ્રામ પામોલિન તેલનો જથ્થો તથા રૂ. ૧૨,૪૦૮નો ૧૧૮ કિલોગ્રામ એસિટિક એસિડનો જથ્થો સીઝ કરાયો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કુલ રૂ. ૧,૯૪,૪૧૮નો ૯૧૫ કિલોગ્રામનો જથ્થો સીઝ કરાયો હતો.
આ સાથે તપાસ દરમિયાન પેઢીમાં પનીર બનાવવા માટે પામોલીન તેલનો ઉપયોગ થતો હોય તથા પનીર બનાવવા માટે દૂધ ફાડવા માટે નોન ફૂડ ગ્રેટ એસિટીક એસિડ કેમિકલનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું હતું. પેઢીના માલિક કરોડીયા ઉમરફરાક અબ્દુલ રહેમાન અને જવાબદાર વ્યક્તિઓ વિરૂદ્ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમ ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
ભુપેન્દ્રભાઈ પરમાર
પાલનપુર બનાસકાંઠા