(સંજય ગાંધી તાપી) તા.૦૨. તાપી જિલ્લાના આંગણે 76 માં પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી 26 જાન્યુઆરી 2025 ના રોજ કરવામાં આવશે. આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સ્તરીય ઉજવણી કરવાની તક તાપી જિલ્લાને આપવામાં આવતા ગણતંત્ર દિનની ઉજવણી વાલોડના બાજીપુરા ખાતે કરવામાં આવશે. 76માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ તા.25 જાન્યુઆરીના રોજ મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે એટ હોમ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે હાજરી આપશે તેમજ દક્ષિણાપથ વિદ્યાલયના પ્રાંગણમાં જિલ્લાના તમામ નાગરિકો માટે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે. તા.૨૬મી જાન્યુઆરીના દિવસે આચાર્ય દેવવ્રતજી બાજીપુરા ખાતે યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ લહેરાવશે. આ તબક્કે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ બાજીપુરા ખાતે રાજ્યસ્તરીય કાર્યક્રમમાં હાજરી આપશે.
રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની અનુસંધાને 25 તેમજ 26 મી જાન્યુઆરીના રોજ યોજાનારા કુલ ત્રણ મુખ્ય કાર્યક્રમો નું સમગ્ર આયોજન અને વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે. કલેકટરશ્રી વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને વિવિધ કામગીરી માટે 12 જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે. આ વિવિધ સમિતિઓમાં રહેલા અધ્યક્ષને જે તે વિષયને લઈને કામગીરીનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પર્વની ઉજવણી થવાની છે તે સ્થળ પર જઈ સ્થળ ચકાસણી તેમજ કાર્યક્રમને લગતી આનુસંગિક કામગીરી શરુ કરી છે.