રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસના પૂર્વે વ્યારામા SRP જવાનોનું મ્યુઝિક બેન્ડ નાગરિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું.
(એક ભારત ન્યુઝ સંજય ગાંધી ) તા.૨૪
રાજ્યનો મુખ્ય ધ્વજવંદન સમારોહની ઉજવણી તાપી જિલ્લામાં થનાર છે, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રકૃતિના ખોળે વસેલા તાપી જિલ્લામાં પોતાની પ્રેરક ઉપસ્થિતિ નોંધાવશે. ઉજવણી પૂર્વે જિલ્લાના નગરજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉત્સાહમાં વધારો કરતું એસઆરપી જવાનોનું મ્યુઝિક બેન્ડ નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
વ્યારામથકના જુના બસ સ્ટેન્ડ નજીક છત્રપતિ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમાના સાનિધ્યમાં પીએસઆઇ વી. કે. ગોસ્વામી, એસઆરપી ગ્રુપ ગાંધીનગરના નેતૃત્વ હેઠળ ૪૦થી વધુ જવાનોએ “મા તુજે સલામ”, “એસા દેશ હે મેરા” દેશભક્તિ ગીતોને સંગીતની રસપ્રદ ધૂનની હારમાળાઓમાં પરોવીને પ્રસ્તુત કર્યું હતું. જેને નિહાળતા નાગરિકો સંગીતની સુમેળી સુરાવલીઓમાં મંત્રમુગ્ધ થયા હતા. આ મ્યુઝિક બેન્ડમાં SRPના જવાનોનું શૌર્ય, શિસ્ત અને સંગીતનું આદર્શ મિશ્રણ જોવા મળ્યું હતું.