રાજકોટની એક હોસ્પિટલે દર્દીના 7 ટાંકા લેવાના 1.60 લાખ રુપિયા પડાવ્યા વિમા એક સર્જન ની વિઝિટ ફી 61120 બતાવવામાં આવી.
(એક ભારત ન્યુઝ-સંજય ગાંધી)
રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ વિવાદમાં આવી છે, જ્યાં એક બાળકના હાથમાં 7 ટાંકા આવતા પરિવાર પાસે રૂ. 1.60 લાખનું બીલ બનાવવામાં આવ્યું. હોસ્પિટલના આ અતિરેક ખર્ચને લઈને સવાલો ઊભા થયા છે. બાળકને સામાન્ય ઇજામાં માત્ર 7 ટાંકા લેવાનો ખર્ચ 1.60 લાખ રુપિયા કેવી રીતે થઇ શકે તેને લઇને અનેક સવાલ ઊભા થઇ રહ્યા છે.બાળકને સામાન્ય ઈજા થઈ હતી, જેના કારણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. માત્ર 7 ટાંકા લેવા છતાં, હોસ્પિટલ દ્વારા આખું બિલ 1.60 લાખ સુધી પહોચી ગયું છે. આ પ્રમાણે જો ગણતરી કરીએ, તો એક ટાંકાનો અંદાજિત ખર્ચ રૂ. 22,857 થાય છે, જે સામાન્ય ઈલાજ માટે અતિશય ઉંચો છે. નવાઇની વાત તો એ છે કે ટાંકા લીધા બાદ પણ બાળકને વધુ કોઇ સારવાર આપવામાં આવી નથી. બાળકને એડમિટ પણ કરવામાં આવ્યો નથી, ત્યારે આટલા મસમોટા બિલને લઇને દર્દીના પરિવાર સાથે લોકોમાં પણ અચરજ જોવા મળી રહી છે.દર્દીના સ્વજનોના જણાવ્યા મુજબ, હોસ્પિટલ દ્વારા વિમાકંપની પાસેથી ક્લેમ પણ મંજૂર કરાવવામાં આવ્યો હતો. આ સાથે, એક સર્જન માટેની વિઝિટ ફી રૂ. 61,120 દર્શાવવામાં આવી છે, જે આકસ્મિક ઈલાજ માટે અતિશય વધારે લાગી રહી છે. પરિવારજનોએ આ મામલે વિમાકંપની અને હોસ્પિટલ વચ્ચે મિલીભગત હોવાના આક્ષેપો કર્યા છે.પરિવારજનોએ આ બાબત પર ગંભીર વાંધો ઉઠાવ્યો છે અને હોસ્પિટલ સામે યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો કાયદેસર પગલાં લેવાના સંકેત આપ્યા છે. આ મામલે આરોગ્ય વિભાગે પણ દખલ કરવા યોગ્ય હોવાનું જણાઈ રહ્યું છે. જો હોસ્પિટલના ખોટા દાવાઓ પુરવાર થાય, તો આ ખોટા બિલિંગ પર કાર્યવાહી શક્ય બની શકે. આ કેસ સામાન્ય નાગરિકો માટે ચેતવણીરૂપ છે કે હોસ્પિટલના બિલની વિગતવાર તપાસ કરવી જરુરી છે અને વિમાકંપનીઓની ભૂમિકા પર પણ સવાલો ઉઠી રહ્યા છે.