આજે (22 એપ્રિલ) મંગળવારે બપોરના સમયે, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો, જેમાં 26 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ હુમલામાં સુરતના વતની હિંમતભાઈ કલાઠીયાનું પણ કરુણ મૃત્યુ નિપજ્યું છે. આ હિંસક ઘટનામાં ભાવનગરના વિનુભાઈ ડાભી નામના વયોવૃદ્ધને હાથમાં ગોળી વાગીને પસાર થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મોરારીબાપુની રામકથા સાંભળવાના હેતુથી ભાવનગરથી 20 લોકોનું સમૂહ ત્યાં ગયું હતું, જેમાંથી બે લોકો હજુ સુધી લાપતા છે, જ્યારે 17 જેટલા લોકો સુરક્ષિત સ્થળે પહોંચ્યા છે. આ દુઃખદ ઘટના બાદ મોરારીબાપુએ રામકથાને ટૂંકાવીને વિરામ જાહેર કર્યો છે. ભાવનગરના તમામ પ્રવાસીઓની યાદી ચકાસવામાં આવી રહી છે.
બીજી તરફ, ગુજરાતના બે પ્રવાસીઓ હજુ પણ ગુમ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પહેલગામમાં ભાવનગરના બે નાગરિકો – યતિષ પરમાર અને સ્મિત પરમાર – હજુ સુધી લાપતા છે અને તેમના વિશે કોઈ ચોક્કસ જાણકારી મળી નથી. આ પિતા-પુત્ર સાથે કોઈ સંપર્ક સ્થાપિત થઈ શક્યો નથી. હુમલા સમયે ભાવનગરના કુલ 19 પ્રવાસીઓ પહેલગામમાં હાજર હતા.
મોરારીબાપુની કથા સાંભળવા માટે આવેલા આ 19 પ્રવાસીઓમાંથી બે વ્યક્તિઓ હાલમાં ગુમ છે અને તેમની કોઈ માહિતી ઉપલબ્ધ થઈ રહી નથી.
ઉલ્લેખનીય છે કે ભારતના પ્રવાસે આવેલા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે આ આતંકવાદી હુમલાની ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે, “ઉષા અને હું ભારતના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે હાર્દિક સંવેદના વ્યક્ત કરીએ છીએ. છેલ્લા કેટલાક દિવસોમાં અમે આ દેશ અને તેના લોકોની સુંદરતાથી અભિભૂત થઈ ગયા છીએ. ત્યારે આ ભયાનક હુમલાના સમાચાર સાંભળીને અમે શોકમગ્ન છીએ.” અહેવાલ = અલ્કાબેન પંડ્યા







Total Users : 153810
Views Today : 