ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટનો સપાટો: પાસા હેઠળ ત્રણ બુટલેગરો જેલના સળિયા પાછળ ધકેલાયા
ગીર સોમનાથ, તા. ૨૬ એપ્રિલ: જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદૃઢ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક પગલાં ભરવાનું ચાલુ રાખ્યું છે. તાજેતરમાં જ તેમણે પાસા ધારા હેઠળ એક સાથે ત્રણ આરોપીઓને જેલના હવાલે કરી દીધા છે. આ ત્રણેય આરોપીઓ જાહેર સુલેહશાંતીનો ભંગ કરે તેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું જણાતા તેમની બુટલેગર કેટેગરીમાં અટકાયત કરવામાં આવી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કોડીનાર તાલુકાના રહેવાસી ક્રિશ ઉર્ફે કારિયો બાલુભાઈ કામળીયા, નિતેશભાઈ દાનાભાઈ ભાલિયા અને સરજમીનખાન મજીદખાન પઠાણ નામના ત્રણ ઈસમો અગાઉ તેમના સાથીદારો સાથે મળીને મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ભારતીય બનાવટના દારૂ અને બિયરની હેરાફેરીમાં પકડાયા હતા. આ ગુનામાં તેમની પાસેથી કુલ રૂપિયા ૫,૬૪,૩૦૦/- નો પ્રોહીબીશનનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ અંગે કોડીનાર અને સોમનાથ મરીન પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ એફ.આઈ.આર. પણ નોંધવામાં આવી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાને માહિતી મળી હતી કે આ ઈસમો ભવિષ્યમાં પણ આવી ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થા માટે ખતરો ઉભો કરી શકે છે. વધુમાં, તેમની આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે લોકોના જાહેર સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર થવાની સંભાવના છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અને જાહેર સુલેહશાંતી જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટે તારીખ ૨૫/૦૪/૨૦૨૫ ના રોજ આ ત્રણેય આરોપીઓની પાસા ધારા હેઠળ અટકાયત કરવાનો આદેશ કર્યો હતો.આ આદેશના પગલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યા છે. ક્રિશ ઉર્ફે કારિયો બાલુભાઈ કામળીયાને અમદાવાદ જેલમાં, નિતેશભાઈ દાનાભાઈ ભાલિયાને સુરત જેલમાં અને સરજમીનખાન મજીદખાન પઠાણને વડોદરા જેલમાં હવાલે કરવામાં આવ્યા છે.જિલ્લા મેજિસ્ટ્રેટના આ સખત પગલાથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અન્ય તત્વોમાં પણ ફફડાટ ફેલાયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જાહેર સુલેહશાંતી અને કાયદો વ્યવસ્થાનું ઉલ્લંઘન કરનારા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા