નીટ-૨૦૨૫ પરીક્ષા માટે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ: પાંચ કેન્દ્રો પર ૧,૩૪૭ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
ગીર સોમનાથ: આગામી ૪ મેના રોજ રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા આયોજિત નીટ-૨૦૨૫ની પરીક્ષા માટે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં પરીક્ષાના સુચારૂ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.બેઠકમાં કલેકટર શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ અને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. પરીક્ષા કેન્દ્રો પર સંચાલકો દ્વારા પણ યોગ્ય આયોજન થાય તે માટે તેમને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
મહત્વની વાત એ છે કે, ગીર સોમનાથ જિલ્લામાં નીટ-૨૦૨૫ની આ પરીક્ષા કુલ પાંચ કેન્દ્રો પર યોજાશે, જેમાં ૧,૩૪૭ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. પરીક્ષાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અને સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે તે માટે દરેક સેન્ટર પર ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીશ્રીઓની નિમણૂક કલેકટરશ્રી દ્વારા કરવામાં આવી છે. આ અધિકારીઓ પરીક્ષા પ્રક્રિયાનું નિરીક્ષણ કરશે અને કોઈપણ સમસ્યાના નિરાકરણ માટે તત્પર રહેશે.
વધુમાં, કલેકટરશ્રીએ નીટની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે સંબંધિત તમામ વિભાગોને જરૂરી સૂચનાઓ આપી છે. જેમાં સુરક્ષા વ્યવસ્થા, પરિવહન, આરોગ્ય અને અન્ય આવશ્યક સેવાઓનો સમાવેશ થાય છે. જિલ્લા વહીવટી તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને તેઓ એકાગ્રતાથી પરીક્ષા આપી શકે.જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલી એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર નીટ-૨૦૨૫ની પરીક્ષા માટે સંપૂર્ણ તૈયારી સાથે સજ્જ છે અને તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવે છે.






Total Users : 144183
Views Today : 