ઉનામાં નવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું નિર્માણ થશે, યુવા નેતા રસિક ચાવડાની સફળ રજૂઆત
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા માટે એક સારા સમાચાર છે. વર્ષોથી રાહ જોવાઈ રહેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું હવે નિર્માણ થવા જઈ રહ્યું છે. યુવા નેતા રસિક ચાવડાની સતત અને સફળ રજૂઆતના પરિણામે આ શક્ય બન્યું છે.ઉના તાલુકો એ છેવાડાનો સૌથી મોટો તાલુકો હોવા છતાં અહીં આરોગ્યની સુવિધાઓ મર્યાદિત હતી. આ બાબતે રસિક ચાવડા દ્વારા ગીર સોમનાથ કલેક્ટર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યાલયમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. તેમણે પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે સરકારે ઉનામાં સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ મંજૂર કરી છે અને આ માટે રૂ. ૧૨૦૦.૦૦ લાખની ગ્રાન્ટ પણ આરોગ્ય વિભાગ દ્વારા પી.આઈ.યુ.ને ફાળવવામાં આવી છે. એટલું જ નહીં, ઉના ગામના સર્વે નં.૪૨૨ની હે.૩૩–૭૯-૧૪ ચો.મીટર જમીનમાંથી હે૫–૦૦-૦૦ ચો.મી. જમીન હોસ્પિટલ અને અન્ય સુવિધાઓ માટે કલેક્ટરશ્રી દ્વારા સંપાદન પણ કરવામાં આવી છે. તેમ છતાં હોસ્પિટલનું બાંધકામ શરૂ કરવામાં વિલંબ થઈ રહ્યો હતો.
રસિક ચાવડાની આ સઘન રજૂઆતના ફળસ્વરૂપે પી. આઇ.યુ. રાજકોટ દ્વારા જાણ કરવામાં આવી છે કે સબ ડિસ્ટ્રીક્ટ ઉનાના નવા બાંધકામ માટે નકશા અને અંદાજપત્રની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. એટલું જ નહીં, નવા બાંધકામ માટે ટેન્ડરની જાહેર નિવિદા ક્રમાંક ૧૮/૦૨/૨૦૨૪-૨૫, તા. ૦૨-૦૩-૨૦૨૫ના રોજ સમાચાર પત્રમાં પ્રકાશિત પણ કરવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તરત જ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના નવા બાંધકામની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ સમાચારથી ઉના વિસ્તારના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. હવે આ છેવાડાના વિસ્તારના લોકોને પોતાના જ તાલુકામાં સારી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થશે. રસિક ચાવડાએ આ સફળ રજૂઆત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યાલય, પી.આઈ.યુ. રાજકોટ અને કલેક્ટર ગીર સોમનાથનો આભાર વ્યક્ત કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ જમીન સંપાદનની પ્રક્રિયામાં તત્કાલીન પ્રાંત અધિકારી જ્વલત રાવલે લોકહિતમાં અંગત રસ દાખવીને મહત્વની ભૂમિકા ભજવી હતી અને સંપાદન કાર્ય પૂર્ણ કરાવ્યું હતું. ત્યારબાદ હાલના કલેક્ટર ડી. ડી. જાડેજાએ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને જમીન સંપાદિત કરી હતી. આ વિસ્તારના લોકો આ બંને અધિકારીઓને હંમેશા યાદ કરશે.આમ, યુવા નેતા રસિક ચાવડાની અથાગ મહેનત અને સફળ રજૂઆતના પરિણામે ઉનામાં આધુનિક સુવિધાઓથી સજ્જ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું નિર્માણ ટૂંક સમયમાં જ શરૂ થશે, જે આ વિસ્તારના લોકો માટે એક મોટી રાહત અને સુવિધા સાબિત થશે.