ગીર ગઢડાના દ્રોણ વસાહતમાં સિંહણનો યુવાન પર ઘાતક હુમલો, માલધારી સમાજમાં ભયનો માહોલ
ગીર ગઢડા તાલુકાના દ્રોણ વસાહતમાં આજે સવારે એક દુઃખદ ઘટના બની હતી. વસાહતમાં રહેતા માલધારી સમાજના યુવાન શિવરાજભાઈ નાજાભાઈ રાતડીયા પર એક સિંહણે અચાનક હુમલો કર્યો હતો, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, શિવરાજભાઈ સવારે આશરે ૮ વાગ્યાની આસપાસ પોતાના માલઢોરને ચરાવવા માટે પહાડી હનુમાન મંદિર નજીકના ઢોરાવાળા વિસ્તારમાં જઈ રહ્યા હતા. તે સમયે અચાનક પાછળથી એક સિંહણે તેમના પર હુમલો કરી દીધો હતો. સિંહણે તેમના શરીરના પાછળના ભાગે, ખાસ કરીને પીઠ અને અન્ય જગ્યાએ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. જસાધાર રેન્જનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવાન શિવરાજભાઈને તાત્કાલિક સારવાર માટે ગીર ગઢડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને વધુ સારવાર માટે ઉનાની મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આ ઘટનાને પગલે માલધારી સમાજ અને સમગ્ર વસાહતમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોમાં વન્ય પ્રાણીઓના હુમલાને લઈને ચિંતા વધી ગઈ છે. તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું હવે જંગલ વિસ્તારોમાં માલધારીઓ પણ સુરક્ષિત નથી? વારંવાર સિંહો અને દીપડાઓ દ્વારા મનુષ્યો પર થતા હુમલાઓ અંગે લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે અને ફોરેસ્ટ વિભાગની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા છે.લોકો પૂછી રહ્યા છે કે વન વિભાગ આવા બનાવોને રોકવા માટે શું કરી રહ્યું છે? સિંહ ગણતરીમાં આ સિંહની ગણતરી થઈ હશે કે કેમ? આવા વન્ય પ્રાણીઓ જંગલોની બહાર કેમ નીકળી જાય છે? ઉના અને આજુબાજુના વિસ્તારોમાં પણ સિંહ અને દીપડાઓ અવારનવાર દેખાય છે, ત્યારે વન્ય પ્રાણીઓની જાળવણી કરવી શું ફોરેસ્ટ વિભાગની જવાબદારી નથી બનતી? લોકોની માંગ છે કે ફોરેસ્ટ વિભાગ દ્વારા એવા પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં આવી દુઃખદ ઘટનાઓ ન બને અને વન્ય પ્રાણીઓ દ્વારા લોકો પર હુમલા ન થાય.હવે જોવાનું એ રહે છે કે આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા માલધારી સમાજના યુવાન શિવરાજભાઈને સરકાર દ્વારા કોઈ વળતર આપવામાં આવે છે કે કેમ. આ ઘટનાએ ફરી એકવાર માનવ અને વન્યજીવન વચ્ચેના સંઘર્ષને સપાટી પર લાવી દીધો છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના