ગીર ગઢડાના સનવાવમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની મિલીભગતનો આક્ષેપ, કાયદો અને વ્યવસ્થા કથળી?
સનવાવ, ગીર ગઢડા: ગીર ગઢડા તાલુકાના સનવાવ ગામે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાના અને તેમાં સ્થાનિક પોલીસની મિલીભગત હોવાના ગંભીર આક્ષેપો સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાનો રોષ ગામલોકોમાં વ્યાપી ગયો છે. તાજેતરમાં એક પત્રકાર દ્વારા દારૂના બુટલેગરના પુત્રને પૂછવામાં આવેલા પ્રશ્નો અને તેના કડક જવાબથી આ મામલો વધુ ગરમાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સનવાવ ગામમાં દારૂના બુટલેગર તરીકે ઓળખાતા હમાલ ઉર્ફે રામજીભાઈ મેરના પુત્ર વિક્રમ મેર સાથે પત્રકાર ધર્મેશ ચાવડાએ ટેલિફોનિક વાતચીત કરી હતી. પત્રકારે જ્યારે વિક્રમને દારૂ વેચવાની મંજૂરી કોણે આપી છે તેવો પ્રશ્ન પૂછ્યો, ત્યારે તેણે કડકાઈથી જવાબ આપતા કહ્યું કે, “ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં કોઈને પણ પૂછી લેવાનું.”વિક્રમ મેરના આ જવાબથી અનેક સવાલો ઉભા થયા છે. શું ખરેખર ગીર ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા દારૂ વેચવાની મંજૂરી આપવામાં આવે છે? બુટલેગરના પુત્ર આટલી કડકાઈથી અને કાયદાનો કોઈ પણ ડર રાખ્યા વિના જાહેરમાં પોલીસ સ્ટેશનનું નામ લઈ શકતો હોય, તો શું પોલીસની તેની સાથે સાઠગાંઠ છે? શું પોલીસને નિયમિત હપ્તા પૂરા પાડવામાં આવે છે, જેના કારણે તેઓ આટલી નિર્ભયતાથી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી શકે છે?
ગામલોકોના જણાવ્યા અનુસાર, સનવાવ ગામમાં ગલીએ ગલીએ બેફામ દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. દારૂની આ ખુલ્લી પ્રવૃત્તિને કારણે સભ્ય સમાજના લોકોનું રહેવું મુશ્કેલ બન્યું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાની ફરિયાદો ઉઠી છે અને ગામમાં અસામાજિક તત્વોનો ત્રાસ પણ વધ્યો હોવાનું મનાય છે.
ગામલોકો દ્વારા ન્યૂઝના માધ્યમથી ગીર સોમનાથ જિલ્લાના એસ.પી. (પોલીસ અધિક્ષક) ને આ મામલે તાત્કાલિક દરમિયાનગીરી કરવા અને ઓચિંતી તપાસ હાથ ધરી દારૂ બાબતના કેસોમાં સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. દારૂબંધીનો કડક અમલ થાય અને સમાજમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સક્રિય ભૂમિકા અનિવાર્ય બની છે. આ મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા કેવા પગલાં લેવાય છે, તે જોવું રહ્યું.
એક ભારત ન્યૂઝ ઉના