વેરાવળ, ૧૧ મે, ૨૦૨૫: ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળની મણિબહેન કોટક સ્કૂલ ખાતે ગીર સોમનાથ ઈન્ડિયન રેડક્રોસ અને અન્ય સંસ્થાઓના સહયોગથી યોજાયેલા એક મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં નાગરિકોએ અભૂતપૂર્વ દેશભક્તિ અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કેમ્પમાં આશરે ૧૦૦૮ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું, જે કોઈપણ કપરી સ્થિતિમાં ઇમરજન્સી જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદરૂપ થશે.
જિલ્લા કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાયે આ સફળ આયોજન બદલ રક્તદાનમાં સહયોગ આપનાર તમામ સંસ્થાઓ, પદાધિકારીઓ, સંગઠનો અને રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “વિવિધ સંસ્થાઓ અને નાગરિક સમાજના સહયોગથી આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન માટે તમામ સંગઠનો, વિવિધ કચેરીઓ તેમજ સંસ્થાઓનો પૂર્ણ સહકાર મળ્યો છે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન ૧૦૦૦થી વધુ યુનિટ્સ એકઠાં થયાં છે, જે ખરેખર પ્રશંસનીય છે. આમ, નાગરિકોએ દેશભક્તિનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.”આ રક્તદાન શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની રક્ષા કરતાં સેનાના જવાનોને સરહદ પર સંઘર્ષના સમયે ઘાયલ થતાં લોહીની જરૂરિયાત ઊભી થાય ત્યારે તેમજ અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ માટે લોહી ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. આ ઉમદા કાર્યમાં એન.સી.સી. કેડેટ્સ, વિવિધ સમાજના પ્રતિનિધિઓ, વ્યાપારી મંડળો, વિવિધ સામાજિક સંસ્થાઓ અને ધાર્મિક સંગઠનો, અગ્રણીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ સહિત સમાજના દરેક વર્ગના લોકોએ ઉત્સાહપૂર્વક સહભાગી થઈ માનવતાની અનોખી મિશાલ કાયમ કરી હતી. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોની સંવેદનશીલતા અને સામાજિક જવાબદારીનું પ્રતિક બની રહ્યો હતો.
રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના