દેલવાડાના શ્યામ નગર સ્થિત શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરે પાટોત્સવ યજ્ઞ સંપન્ન, આવતીકાલથી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ સપ્તાહનો પ્રારંભ
દેલવાડા, તા. ૧૨ મે, ૨૦૨૫: આજરોજ વૈશાખ સુદ પૂનમના શુભ પાવન અવસરે, તારીખ ૧૨ મે, ૨૦૨૫ના રોજ દેલવાડા ગામે શ્યામ નગર ખાતે બિરાજમાન શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરમાં ભવ્ય પાટોત્સવ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તો ઉમટી પડ્યા હતા.પાટોત્સવ યજ્ઞમાં વિદ્વાન શાસ્ત્રી શ્રી ભરતભાઈ જોશી, શ્રી કાર્તિકભાઈ જોશી તથા અન્ય વિપ્ર વૃંદ દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે અગ્નિમાં આહુતિ અર્પણ કરવામાં આવી હતી. આ યજ્ઞનો મુખ્ય હેતુ વિશ્વ કલ્યાણ માટેનો હતો, જેના ભાગરૂપે લઘુ રુદ્ર યક્ષ મંત્રોચ્ચાર દ્વારા આહુતિઓ અપાઈ હતી.વર્તમાન સમયમાં ભારતની સરહદે પ્રવર્તમાન તંગદિલીભર્યા વાતાવરણમાં સંપૂર્ણ શાંતિ સ્થપાય અને ભારતીય લશ્કરના જવાનોની રક્ષા થાય તે હેતુથી વિશેષ રૂપે ‘ભદ્ર મહાકાલ અજય મંત્ર’ના પાઠ પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સમસ્ત સમાજના ઉદ્ધાર અને કલ્યાણ માટે પણ આહુતિઓ અપાઈ હતી.આ પ્રસંગે સનાતન ધર્મ જાગૃતિના ભાગરૂપે ઉપનિષદોના પાઠનું પઠન પણ કરવામાં આવ્યું હતું, જેણે ઉપસ્થિત શ્રદ્ધાળુઓને ધર્મ અને આધ્યાત્મિકતા પ્રત્યે વધુ જાગૃત કર્યા હતા. પાટોત્સવ યજ્ઞ નિમિત્તે મહાપ્રસાદ ભોજનનું પણ ભવ્ય અને સંગીન આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેંકડો ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.પાટોત્સવ યજ્ઞ બીડા હોમ સાથે સંપન્ન થયો હતો. આ કાર્યક્રમની સમાપ્તિ બાદ એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી કે આવતીકાલે, તારીખ ૧૩ મે, ૨૦૨૫ના રોજ, વૈશાખ વદ એકમથી ‘શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ સપ્તાહ’નો પ્રારંભ થશે.સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી સોમેશ્વર યુવક મંડળ, સોમેશ્વર મહિલા ધૂન મંડળ, સીતારામ ગ્રુપ તથા રામદેવજી મહારાજ યુવક મંડળ દ્વારા ખૂબ જ સુચારુ રીતે કરવામાં આવ્યું હતું. ધાર્મિક ઉત્સાહ અને શ્રદ્ધાના આ વાતાવરણમાં દેલવાડા ગામ ધર્મમય બન્યું હતું.
રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના
મો.760044439