:*પોરબંદર:પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો માંટે વાફસા વ્યવસ્થાપન અને તેનું મહત્વ*
પોરબંદર, તા.૫: પોરબંદરના જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે. પ્રાકૃતિક ખેતીમાં પાંચ આયમોનો અમલી બનાવીને પ્રાકૃતિક ખેતી કરવાથી નહીવત ખર્ચે સારું ઉત્પાદન લઈ શકાય છે.પ્રાકૃતિક ખેતીમાં વાફસા વ્યવસ્થાપન મહત્વ અને ફાયદાઓ અનેક છે.
જમીનમાં માટીના બે કણ વચ્ચે ૫૦% હવા અને ૫૦% ભેજનું પ્રમાણ જળવાય તેવી આદર્શ પરિસ્થિતિને વાફસા કહે છે. જમીનમાં ભેજ અને હવાના આવા મિશ્રણમાં દ્રાવ્ય પોષક તત્ત્વો છોડ મૂળ દ્વારા મેળવે છે.
બાગાયતી પાકો વાફસા વ્યવસ્થાપન કરવા માટે પ્રથમ વૃક્ષના થડથી વૃક્ષનો જેટલો ઘેરાવો હોય તેટલા અંતરે ઝાડ ફરતે નીક બનાવવી. વચ્ચેના ભાગમાં આચ્છાદન કરવું, માત્ર નીકમાં જ પિયત આપવું. ટપક પદ્ધતિ હોય તો વૃક્ષના ઘેરાવા મુજબ થડથી નિયત અંતરે ડ્રીપની લાઈન રાખવી અને ખેતી પાકોમાં વાફસા વ્યવસ્થાપન કરવા માટે ખેતી પાકોનું વાવેતર ગાદી-ક્યારા પદ્ધતિથી કરવું. ગાદી ક્યારાની બંને બાજુની નીકમાં જ પિયત આપવું.
પ્રાકૃતિક કૃષિમાં વાફસા વ્યવસ્થાપનથી અનેક ફાયદા થાય છે જેમાં જમીનમાં જરૂરિયાત મુજબ ભેજ તથા હવાનું પ્રમાણ જળવાશે. જેને કારણે જમીનમાં રહેલા પોષક તત્ત્વોનો મૂળ દ્વારા મહત્તમ ઉપયોગ થશે.