*વિશ્વ યોગ દિવસ – ૨૦૨૫*
*પોરબંદર ચોપાટી ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ભવ્ય ઉજવણી*
………………………..
*પોરબંદરના મોટી સંખ્યામાં એક સાથે યોગ કરી સ્વસ્થ આરોગ્ય પ્રત્યે કટિબદ્ધતા દર્શાવી*
*“દિવસના ૨૩ કલાક ભલે અન્ય કાર્યો માટે કાઢો, પણ ઓછામાં ઓછો ૧ કલાક યોગ માટે ચોક્કસ ફાળવો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો.” – ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા*
………………………..
*પોરબંદર,તા.૨૧ : યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે. આજે 21 મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે પોરબંદરમાં જિલ્લા કક્ષાનો ભવ્ય યોગ કાર્યક્રમ મોટી સંખ્યામાં લોકોની સહભાગીતા વચ્ચે આયોજિત કરવામાં આવ્યો હતો. પોરબંદર શહેરના ચોપાટી વિસ્તારમાં હજૂર પેલેસ પાછળ યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ ઉજવણીમાં પોરબંદરના ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને પોરબંદર જિલ્લા કલેક્ટરશ્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, “યોગ એ માત્ર વ્યાયામ નહીં, પણ માનસિક, શારીરિક અને આધ્યાત્મિક સમતોલ જીવન જીવવાની રીત છે. આપણી સંસ્કૃતિએ સદીઓથી જેને જીવંત રાખી છે, એ યોગને આજની પેઢી સાથે સંકળાવું એ આપણી જવાબદારી છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, આપણું આ અનમોલ ઘરેણું (યોગ) ક્યાંક ખૂણે ખાચરે સચવાયેલ પડ્યું હતું ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ન માત્ર દેશ પરંતુ યુએનમાં યોગને સ્વીકૃતિ અપાવી અને તેના પરિણામે આજે વિશ્વના દેશો આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સવની જેમ ઉજવી રહ્યા છે.
તેમણે નાગરિકોને અપીલ કરતાં કહ્યું હતું કે, “દિવસના ૨૩ કલાક ભલે અન્ય કાર્યો માટે કાઢો, પણ ઓછામાં ઓછો ૧ કલાક યોગ માટે ચોક્કસ ફાળવો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો.”
આ પ્રસંગે હાજર રહેલા હજારો લોકોએ એકસાથે યોગ આસન કરી “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ”ના સંદેશાને આત્મસાત કરીને આરોગ્યપ્રત્યે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. અને સ્વાગત પ્રવચન જિલ્લા રમત ગમત અધિકારી શ્રી પ્રવિણાબેન પાડાવદરાએ કરી હતી.
કાર્યક્રમ દરમ્યાન પોરબંદર જિલ્લાના વિવિધ શાળા – કોલેજના વિદ્યાર્થીઓ, નગરજનો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પોલીસ જવાનો, કોસ્ટગાર્ડ જવાનો તથા પોરબંદર શહેરના યોગપ્રેમીઓએ ઉમંગપૂર્વક ભાગ લઈ યોગના મહત્ત્વને સમગ્ર સમાજમાં વિસ્તૃત કરવા પ્રયાસ કર્યો હતો.
આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા કલેક્ટર શ્રી એસ ડી ધાનાણી, પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી બી ચૌધરી, પોરબંદર પોલીસ વડા શ્રી ભગીરથસિંહ જાડેજા, અધિક કલેકટર શ્રી જે બી વદર,પોરબંદર પ્રાંત અધિકારી શ્રી સંદીપ જાદવ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઋતુબેન રાબા,જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વી કે પરમાર અને સહિત લોકોની ઉપસ્થિતિ રહી હતી અહેવાલ = અલ્કાબેન પંડ્યા