ગીરગઢડાના જમજીર ધોધમાં ફસાયેલા ૬ પ્રવાસીઓનો આબાદ બચાવ
ગીરગઢડા, 26 જૂન, 2025: ગીરગઢડા તાલુકાના જામવાળા ગામ નજીક આવેલા જમજીર ધોધમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં છ પ્રવાસીઓ ફસાયા હતા, જેમનો સ્થાનિક ગ્રામજનો અને વહીવટી તંત્રની સમયસર કામગીરીને કારણે આબાદ બચાવ થયો હતો.
જામવાળા પાસેથી પસાર થતી શિંગોડા નદીમાં જાતેડીનું પાણી એકાએક આવી જતાં નદી બે કાંઠે વહેવા લાગી હતી. જામવાળાથી નીચાણમાં આવેલા ઘાટવડ તરફ જવાના રસ્તા પર જમજીરનો ધોધ આવેલો છે. સંભવતઃ કેટલાક પ્રવાસીઓ અહીં ફરવા આવ્યા હશે અને પાણીનો પ્રવાહ અચાનક વધતા તેઓ ધોધ નજીક ફસાઈ ગયા હતા.
આ ઘટનાની જાણ તાત્કાલિક ગામ લોકોને થતાં, તેમણે ગીરગઢડા પ્રશાસન અને પોલીસને જાણ કરી હતી. ગામના આગેવાનો અને યુવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પોતાનો જીવ જોખમમાં મૂકીને ફસાયેલા પ્રવાસીઓને બચાવવાની કામગીરી શરૂ કરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, ગામ લોકોની બહાદુરી અને સમયસૂચકતાને કારણે તમામ છ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ગીરગઢડા મામલતદાર અને પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં મદદ કરી હતી.નોંધનીય છે કે જમજીર ધોધ નજીક જવા પર પ્રતિબંધ હોવા છતાં, કેટલાક પ્રવાસીઓ જીવનું જોખમ ખેડીને ફોટા અને વીડિયો ઉતારવા નજીક જતા હોય છે. આ ઘટના ફરી એકવાર પ્રવાસીઓને આવા જોખમી સ્થળોથી દૂર રહેવા અને તંત્ર દ્વારા જારી કરાયેલી સૂચનાઓનું પાલન કરવા માટે ચેતવણી આપે છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા