ઉનાના ડમાસા ગામે કૂવામાં પડેલી સિંહ નું ફોરેસ્ટ વિભાગ દ્વારા સફળ રેસ્ક્યુ
ઉના તાલુકાના ડમાસા ગામે એક સિંહ શિવ મંદિર પરિસરમાં આવેલી એક ખુલ્લી કૂવીમાં પડી જતાં ગામલોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જોકે, ફોરેસ્ટ વિભાગ દ્વારા સત્વરે અને સમયસર કરાયેલા રેસ્ક્યુ ઓપરેશનને કારણે સિંહનો જીવ બચી ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, સિંહ પરિવાર અવારનવાર શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારોમાં લટાર મારતો જોવા મળે છે. ગત રાત્રે પણ આ સિંહ શિવ મંદિરમાં એક વાછરડાનો શિકાર કર્યો હતો. શિકાર બાદ સિંહ અજાણતા જ મંદિર પરિસરમાં આવેલી કૂવીમાં ખાબકી હતી.
સવારે મંદિરના પૂજારીને કૂવીમાંથી અવાજ આવતા તેમણે તપાસ કરી તો એક સિંહ કૂવામાં પડેલી જણાઈ. આ દ્રશ્ય જોઈને તેઓ ચોંકી ઉઠ્યા અને તરત જ ગામના યુવાનોને જાણ કરી. ગામના યુવાનોએ તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કર્યો.
માહિતી મળતા જ ફોરેસ્ટ વિભાગની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ભારે જહેમત બાદ કૂવામાંથી સિંહને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને કારણે સિંહનો જીવ બચ્યો હતો અને ગામલોકોએ હાશકારો અનુભવ્યો હતો.
આ ઘટના ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારોમાં વન્યજીવોના વધતા સંચાર અને ખુલ્લી કૂવીઓ જેવા જોખમી સ્થળોની સુરક્ષા અંગે વિચારણા કરવા માટે પ્રેરણા આપે છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા