આહીર સમાજ દ્વારા ઉના પ્રાંત કચેરી ખાતે આવેદન: હીરાભાઈ જોટવાને મુક્ત કરવાની માંગ
ઉના અને ગીર-ગઢડા તાલુકાના સમસ્ત આહીર સમાજ દ્વારા આજે ઉના પ્રાંત કચેરી ખાતે એક વિશાળ આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. “ન્યાય આપો, ન્યાય આપો” ના નારા સાથે એકઠા થયેલા સમાજના અગ્રણીઓ અને સભ્યોએ કોંગ્રેસ અગ્રણી હીરાભાઈ જોટવાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરી હતી.આહીર સમાજ દ્વારા આપવામાં આવેલા આવેદનમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે, હીરાભાઈ જોટવાને ભરૂચ કૌભાંડમાં સીધી સંડોવણી ન હોવા છતાં તેમની અટકાયત કરવામાં આવી છે અને તેમને ભરૂચ લઈ જવામાં આવ્યા છે. સમાજના મતે, આ કાર્યવાહી સંપૂર્ણપણે અયોગ્ય છે અને તેમની રાજકીય કારકિર્દી ખતમ કરવાના ષડયંત્રનો ભાગ છે.આવેદનપત્રમાં વધુમાં જણાવાયું હતું કે, હીરાભાઈ જોટવા સામે નોંધાયેલી FIR પણ અયોગ્ય છે, કારણ કે તેમની કોઈ સીધી સંડોવણી નથી. આહીર સમાજે સરકાર અને વહીવટીતંત્રને અપીલ કરી છે કે, હીરાભાઈ જોટવા અને તેમના પરિવારને ખોટી રીતે હેરાન-પરેશાન કરવામાં ન આવે અને તેમને સત્વરે મુક્ત કરવામાં આવે.આજે સવારે મોટી સંખ્યામાં આહીર સમાજના લોકો ઉના પ્રાંત કચેરી ખાતે એકઠા થયા હતા અને સુત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જો આ મામલે ન્યાય નહીં મળે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.