સીમાસી ગામમાં બિસ્માર રસ્તા અને સરપંચ પ્રતિનિધિનો દાદાગીરીનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
ઊના તાલુકાના સીમાસી ગામમાં બિસ્માર રસ્તા અને ગામના સરપંચ પ્રતિનિધિ દ્વારા ગામ લોકો સાથે કરવામાં આવતા ગેરવર્તનને લઈને તંગદિલીનો માહોલ છે. ગામના અશ્વિન બાંભણિયા પર સરપંચ પ્રતિનિધિ દ્વારા હુમલો કરવામાં આવતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.બિસ્માર રસ્તા અને લોકોની હાલાકી સીમાસી ગામનો અવરજવરનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે, જેના કારણે 70થી વધુ ગ્રામજનોને અને ખાસ કરીને શાળાએ જતા 20 વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વૃદ્ધ વડીલોને પણ આ રસ્તા પર ચાલવામાં ઘણી મુશ્કેલી પડે છે. ગામલોકો દ્વારા તંત્રને અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં તેમની વ્યથા સાંભળવા કોઈ તૈયાર નથી.સરપંચ પ્રતિનિધિ પર દાદાગીરી અને ગેરવર્તનના આક્ષેપો ગામના સરપંચ પ્રતિનિધિ પર ગામનું સંચાલન કરતા હોવા છતાં ચૂંટણી સમયે ખોટા વાયદાઓ કરવા અને કામના સમયે દાદાગીરી કરવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ગામલોકોનું કહેવું છે કે સરપંચ પ્રતિનિધિ દ્વારા તેમની સાથે ગેરવર્તન કરવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિ રજૂઆત કરે તો તેને અભદ્ર ભાષામાં જવાબ આપવામાં આવે છે.
પત્રકારની હાજરીમાં હુમલો અને પોલીસ તંત્ર ને લેખિત રજૂઆત કરવા માં આવી તાજેતરમાં, “ન્યૂઝ ઑફ વડાલી”ના પત્રકાર ઘટનાની હકીકત જાણવા સીમાસી ગામ પહોંચ્યા હતા. તે સમયે પત્રકારની હાજરીમાં જ સરપંચ પ્રતિનિધિ સ્થાનિક લોકો સાથે ઉગ્ર બન્યા હતા, જેના કારણે મામલો વધુ તંગ બન્યો હતો. આ ઉગ્રતા દરમિયાન, સરપંચ પ્રતિનિધિએ સ્થાનિક રહેવાસી અશ્વિન બાંભણિયા પર હુમલો કર્યો હતો.આ ઘટના બાદ મામલો ઊના પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, જ્યાં અશ્વિન બાંભણિયા દ્વારા ઊનાના પી.આઈ.ને લેખિતમાં રજૂઆત કરીને યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અશ્વિન બાંભણિયાએ જણાવ્યું હતું કે તેમણે આર.ટી.આઈ. હેઠળ માહિતી માંગી હતી, જેના રાગદ્વેષ રાખીને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું સરપંચ પ્રતિનિધિ દ્વારા આવી રીતે હુમલો કરીને લોકોમાં ભયનો માહોલ ઊભો કરવો યોગ્ય છે?
રિપોર્ટર ધર્મેશ ચાવડા