ગીર-સોમનાથના બેડીયા ગામેથી 400 પેટીથી વધુ વિદેશી દારૂ ઝડપાયો: સ્ટેટ મોનિટરીંગ સેલની મોટી કાર્યવાહી
ગીરગઢડા, ગીર-સોમનાથ: મહાત્મા ગાંધીની કર્મભૂમિ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરી અવારનવાર સામે આવતી રહે છે, ત્યારે ફરી એકવાર ગીર-સોમનાથ જિલ્લામાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. સ્ટેટ મોનિટરીંગ સેલે ગીરગઢડા તાલુકાના બેડીયા ગામે એક વાડીના મકાનમાં બનાવેલા અંડરગ્રાઉન્ડ ભોંયરામાંથી 400 પેટીથી વધુ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં પાંચ મોટરસાયકલ અને છ આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળી હતી કે બેડીયા ગામમાં એક વાડીના મકાનમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મકાનની અંદર એક ગુપ્ત અંડરગ્રાઉન્ડ જગ્યા બનાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું, જ્યાં દારૂનો વિશાળ જથ્થો સંતાડેલો હતો.સ્ટેટ મોનિટરીંગ સેલે ઘટના સ્થળેથી અંદાજિત 400 પેટીથી પણ વધુ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. દારૂના આ મોટા જથ્થા ઉપરાંત, દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી પાંચ મોટરસાયકલ પણ જપ્ત કરવામાં આવી છે. આ દરોડા દરમિયાન છ આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ ઘટના ગીર-સોમનાથ જિલ્લા પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા કરે છે, કારણ કે આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો સ્થાનિક પોલીસની જાણ બહાર કેવી રીતે સંગ્રહિત કરવામાં આવ્યો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને રાજ્યમાં દારૂબંધીના કડક અમલવારીની જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા