>
Thursday, February 19, 2026

મનરેગા શ્રમિકોને કામથી વંચિત રખાતા આક્રોશ: બેઠક ભથ્થાની માંગ, ન મળ્યે ધરણાની ચીમકી

મનરેગા શ્રમિકોને કામથી વંચિત રખાતા આક્રોશ: બેઠક ભથ્થાની માંગ, ન મળ્યે ધરણાની ચીમકી

 

ચિખલી ગ્રામ પંચાયત સામે મનરેગાના નિયમોના ભંગ અને શ્રમિકોના શોષણનો આક્ષેપ

ચિખલી ગામના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) યોજના હેઠળના શ્રમિકોએ ગ્રામ પંચાયત દ્વારા થઈ રહેલી અનિયમિતતાઓ અને નિયમોના ભંગ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. શ્રમિકોએ તાલુકા કચેરી સમક્ષ રજૂઆત કરી છે કે તેમને મનરેગા હેઠળ મળવાપાત્ર કામ અને ભથ્થાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. જો તેમની માંગણીઓ સંતોષાશે નહીં તો કચેરી સામે ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.શ્રમિકોના જણાવ્યા અનુસાર, ચિખલી ગ્રામ પંચાયત દ્વારા ગત ૨૮ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ કોટવાળ મારફત ગામમાં જાહેરાત કરવામાં આવી હતી કે મનરેગા યોજના અંતર્ગત જે કોઈ પરિવારના સભ્યોને મજૂરી કામ કરવું હોય તેમણે પોતાના આધારકાર્ડ અને જોબકાર્ડની ઝેરોક્ષ નકલો ગ્રામ પંચાયત કાર્યાલયમાં જમા કરાવી નામ નોંધણી કરાવવી. આ જાહેરાત બાદ ૨૮ એપ્રિલથી ૧ મે, ૨૦૨૫ સુધીમાં તમામ મનરેગા શ્રમિકોએ પોતાના પરિવારના સભ્યોના નામોની નોંધણી કરાવી હતી.ત્યારબાદ, ગ્રામ પંચાયત દ્વારા ૧૪ મે, ૨૦૨૫ ના રોજ આગળની કાર્યવાહી માટે જિલ્લા કચેરીમાં ડિમાન્ડ પત્રકો જમા કરાવવામાં આવ્યા. જિલ્લા કચેરી દ્વારા ૨૮ મે, ૨૦૨૫ થી ૧૧ જૂન, ૨૦૨૫ સુધી ૧૫ દિવસની મજૂરી આપવા માટે મસ્ટર ઇસ્યુ કરવામાં આવ્યું. જોકે, વાસ્તવિકતા અલગ જ રહી. ચિખલી ગ્રામ પંચાયત દ્વારા ૫ જૂન, ૨૦૨૫ થી કામ શરૂ કરવામાં આવ્યું, પરંતુ આશ્ચર્યજનક રીતે પહેલા દિવસે એકપણ મજૂરની હાજરી પૂરવામાં આવી ન હતી. આ સ્થિતિ ૮ જૂન, ૨૦૨૫ સુધી યથાવત રહી, જેમાં એકપણ શ્રમિકની હાજરી નોંધવામાં આવી નહીં. અંતે, ૯ જૂન, ૨૦૨૫ થી કામ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું.આટલું જ નહીં, ૧૪ જૂન, ૨૦૨૫ ના રોજ બીજી વખત ૧૫ દિવસની મજૂરી માટે ઓનલાઈન ડિમાન્ડ કરવામાં આવી, પરંતુ આમાં પણ શ્રમિકોને એકપણ દિવસ કામ આપવામાં આવ્યું નથી કે કામ શરૂ કરાવવામાં આવ્યું નથી.મનરેગાના નિયમોનો ભંગ અને ગત વર્ષનો અનુભવ મનરેગા યોજનાના નિયમો અનુસાર, કોઈપણ કુટુંબ દ્વારા ૧૦૦ દિવસની મજૂરી માટે ગ્રામ પંચાયત પાસે માંગણી કરવામાં આવે તો ૧૫ દિવસની અંદર મજૂરી આપવાની જોગવાઈ છે. જો ગ્રામ પંચાયત ૧૫ દિવસમાં કામ આપવામાં નિષ્ફળ જાય તો માંગણી મુજબના દિવસો અને જ્યાં સુધી ગ્રામ પંચાયત કામ શરૂ ન કરાવે ત્યાં સુધી બેઠું ભથ્થું આપવાની જોગવાઈ છે.શ્રમિકોએ જણાવ્યું કે, વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે પણ તેમણે ૧૦૦ દિવસના મજૂરી કામ માટે માંગણી કરી હતી, પરંતુ તેમના કુટુંબના સભ્યોને ફક્ત ૬ થી ૯ દિવસનું જ મજૂરી કામ મળ્યું હતું અને ત્યારબાદ આખા વર્ષમાં એકપણ દિવસ કામ શરૂ કરવામાં આવ્યું ન હતું. આમ, ગત વર્ષે પણ ગરીબ શ્રમિકોને મજૂરી કામથી વંચિત રાખવામાં આવ્યા હતા.સરપંચનો પત્ર અને “દૂષિત ઇરાદો” નો આક્ષેપ વધુ ચોંકાવનારી બાબત એ છે કે, ૫ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ ચિખલી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા લેટરપેડ ઉપર તાલુકા કચેરીને લેખિતમાં જાણ કરવામાં આવી હતી કે, “સન ૨૦૨૫-૨૦૨૬ના વર્ષ માટે અમારી ગ્રામ પંચાયત શ્રમિકોને મજૂરી કામ આપવા માંગતી નથી.” શ્રમિકો આ પત્રને ગ્રામ પંચાયતનો સ્પષ્ટ ઇરાદો ગણાવી રહ્યા છે કે તેઓ શ્રમિકોને કાયદાકીય રીતે મળવાપાત્ર ૧૦૦ દિવસની મજૂરીથી પણ વંચિત રાખવા માંગે છે. શ્રમિકોના મતે, આ સ્પષ્ટપણે મનરેગા કાયદાનો ભંગ અને શ્રમિકોના હિતો વિરુદ્ધ છે.શ્રમિકોની માંગ અને આગામી પગલાં શ્રમિકોએ તાલુકા કચેરીને વિનંતી કરી છે કે તેઓ મનરેગા યોજનાના નીતિ-નિયમો મુજબ કાર્યવાહી કરી તેમને ડિમાન્ડ પત્રક મુજબ બેઠું ભથ્થું આપે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો ૭ દિવસમાં તેમને મનરેગા યોજનાના નિયમો મુજબ બેઠું ભથ્થું આપવામાં નહીં આવે તો નાછૂટકે તાલુકા કચેરી સામે ધરણા કરવાની ફરજ પડશે. શ્રમિકોએ આ બાબતને ગંભીરતાથી નોંધ લેવા વિનંતી કરી છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores