સરકારી કચેરીમાં ભાજપના તા.પં ના પ્રમુખે કેક કાપીને નેતાના જન્મદિનની ઉજવણી કરી
સરકારી કચેરી કે પાર્ટી પ્લોટ? વડાલી તાલુકા પંચાયત કચેરીમાં સરકારી નિયમોની ઐસી તૈસી: પ્રમુખે કેબીનમાં કેક કાપીને ભાજપના નેતાનો ઉજવ્યો જન્મદિવસ!
વડાલી તાલુકા પંચાયત કચેરી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. સરકારી કાર્યાલયોમાં કોઈપણ પ્રકારની ઉજવણી પર સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં, તાલુકા પંચાયતના પ્રમુખ ચેતનાબેન પરમારે ભાજપના જિલ્લા ઉપપ્રમુખ રવિન્દ્રભાઈ બારોટનો જન્મદિવસ પોતાની કેબિનમાં કેક કાપીને ઉજવ્યો હતો. આ ઘટનાનો ખુલાસો સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ થતાં થયો છે, જેણે તેમની કામગીરી અને નિર્ણય શક્તિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના ચેતનાબેન પરમાર દ્વારા રાજકીય આકાઓને ખુશ કરવા અને સરકારી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવાના પ્રયાસ તરીકે જોવાઈ રહી છે. એક જાહેર સેવક તરીકે, સરકારી કાર્યાલયની ગરિમા જાળવવાની અને નિયમોનું પાલન કરવાની જવાબદારી તેમની છે, ત્યારે આવા કૃત્ય દ્વારા તેમણે પોતાની બુદ્ધિમત્તાનું પ્રદર્શન કર્યું હોય તેમ લાગી રહ્યું છે.
આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ ચેતનાબેન પરમારે લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, રવિન્દ્રભાઈ ચેક વિતરણ કરવા આવ્યા હતા અને તેમનો જન્મદિવસ હોવાથી કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. જોકે, તેમનો આ ખુલાસો વધુ સવાલો ઉભા કરે છે. શું ચેક વિતરણ અને જન્મદિવસની ઉજવણી એક જ સરકારી કેબિનમાં કરવી અનિવાર્ય હતી? શું સરકારી કામકાજના સમયે આવા અંગત કાર્યક્રમો યોજવાની છૂટ છે? અને સૌથી મહત્ત્વનું, શું તેમને સરકારી ઓફિસમાં આવા આયોજનો પરના પ્રતિબંધની જાણ નહોતી?
આ ઘટના સ્પષ્ટપણે સત્તાનો દુરુપયોગ અને નિયમો પ્રત્યેની બેદરકારી દર્શાવે છે. જાહેર જનતાની સુવિધા અને પારદર્શિતા માટે બનેલા નિયમોને ખુદ જનપ્રતિનિધિ જ તોડતા હોય, ત્યારે સામાન્ય નાગરિકો પાસેથી નિયમપાલનની અપેક્ષા કેવી રીતે રાખી શકાય?
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891