રાખડીની દોરથી આત્મનિર્ભરતાની ઓર પ્રયાણ કરતી ઇડરના ચોરીવાડ સખી મંડળની બહેનો
ચોરીવાડના જય ખોડીયાર સખી મંડળ થકી રાખડી બનાવી આત્મનિર્ભરતા સાથે “મહિલાશક્તિનો મોતી ગૂંથાતો જાય છે.
આ રાખડી માત્ર શણગાર નહીં… સખી મંડળની આવકનો આધાર છે
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ચોરીવાડ ગામ ખાતે બનાવાતી રાખડી માત્ર શણગારની વસ્તુ નથી રહી, પરંતુ સ્ત્રીઓ માટે આત્મનિર્ભરતા અને આર્થિક સ્વાવલંબનનું પણ મજબૂત સાધન બની છે.
જય ખોડિયાર સખી મંડળ ગામની મહિલાઓના સંગઠન દ્વારા ચાલે છે. મંડળના સભ્યોએ પોતાની કલાત્મક કળાને અર્થસભર બનાવી છે. તેઓ રાખડી, લૂમ્બા, અને અન્ય રક્ષાબંધન સંબંધિત હેન્ડમેડ શણગારવસ્તુઓ તૈયાર કરે છે. રાખડી બનાવવા માટે તેઓ રંગીન દોરા, મોતી, શણગાર સામગ્રી અને નવીન ડિઝાઇનનો ઉપયોગ કરે છે.
આ સખી મંડળ માત્ર હસ્તકલા સુધી મર્યાદિત નથી, પરંતુ વેચાણ માટે સ્થાનિક બજાર, મેળાઓ તેમજ લોકલ શાળાઓ અને ટાઉન વિસ્તારોમાં પોતાની રાખડીઓ વેચીને સારી આવક પણ ઉત્પન્ન કરે છે. કેટલીક બહેનો તો ઓનલાઈન પ્લેટફોર્મ અને વોટ્સએપ દ્વારા પણ ઓર્ડર લે છે, જે મહિલાઓની તકનીકી સમજદારી અને નવી દિશામાં આગળ વધવા માટેની તત્પરતા દર્શાવે છે.
આ કાર્ય સાથે મહિલાઓ પોતાના પરિવારને આર્થિક સહારો આપી રહી છે. અગાઉ ઘરમાં કામકાજ સાથે મર્યાદિત રહેલી મહિલાઓ હવે ગ્રુપમાં એકબીજાને સહકાર આપીને પોતાનો આત્મવિશ્વાસ અને કૌશલ્ય વિકસાવી રહી છે.
આ સખી મંડળ છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે. રાખડીના વેચાણથી પ્રથમ વર્ષે તેમને ૪૦,૦૦૦ અને બીજા વર્ષે ૬૦,૦૦૦ ની આવક પ્રાપ્ત થઈ હતી. આ વર્ષે તેમને ૭૦,૦૦૦ થી ૮૦,૦૦૦ સુધીની આવક થશે એમ જણાવ્યું હતું.
મંડળના પ્રયાસોથી સમગ્ર ગામમાં મહિલા શક્તિ માટે એક નવી ઉર્જા જાગૃત થઇ છે. આવું કાર્ય અન્ય ગામોની મહિલાઓ માટે પણ પ્રેરણાદાયક સાબિત થઈ શકે છે.
રક્ષાબંધનનો તહેવાર નજીક છે ત્યારે શહેરમાં રાખડીની માંગ વધી જાય છે, ત્યારે ચોરીવાડની બહેનો કહે છે – “આ રાખડી માત્ર બંધન નથી, તે અમારો શ્રમ છે અને સશક્તિની દોર છે.”
આજે જય ખોડીયાર સખી મંડળનો પ્રયાસ માત્ર રાખડી બનાવવા પૂરતો નથી રહ્યો – તે મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ બની ગયો છે.
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891