ઉના તાલુકામાં ખનીજ ચોરી સામે તંત્રની લાલ આંખ: 2.78 લાખનો દંડ વસૂલાયો
ગીર સોમનાથ જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. માનનીય કલેક્ટરશ્રી, ગીર સોમનાથ અને ભૂસ્તરશાસ્ત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ, ખાણ અને ખનીજ કચેરીની ટીમે ઉના તાલુકાના વિવિધ વિસ્તારો જેવા કે પસવાળા, નવાબંદર અને કાળાપાણ ખાતે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
આ સઘન ચેકિંગ દરમિયાન, ખનીજનું બિનઅધિકૃત વહન કરતા કુલ છ વાહનોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ વાહનો દ્વારા કરવામાં આવતી ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિ બદલ, નિયમોનુસાર કુલ રૂપિયા 2.78 લાખની દંડકીય રકમ વસૂલવામાં આવી છે.
ખાણ અને ખનીજ વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ, આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ પર લગામ કસવાનો અને રાજ્યના કુદરતી સંસાધનોનું રક્ષણ કરવાનો છે. તંત્ર દ્વારા ભવિષ્યમાં પણ આવી ચેકિંગ કામગીરી ચાલુ રાખવામાં આવશે અને ખનીજ ચોરીમાં સંડોવાયેલા તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે. આ કાર્યવાહીથી ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા