ગીર ગઢડા: કાણકિયા ગામે સિંહણ કે દીપડાના હુમલામાં વૃદ્ધાનું મોત
ગીર ગઢડા,30જુલાઈ – ગીર ગઢડા તાલુકાના કાણકિયા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં એક વન્ય પ્રાણીના હુમલામાં 60 વર્ષીય વૃદ્ધા કમળાબેન પુરાણદાસ દેસાણીનું મોત થયું છે. આ ઘટના આજે વહેલી સવારે 5 વાગ્યા આસપાસ ગામના નવાપરા વિસ્તારમાં બની હતી.પ્રાથમિક માહિતી અનુસાર, કમળાબેન પોતાના ઘરની બહાર હતા ત્યારે એક હિંસક વન્ય પ્રાણી, જે સંભવતઃ સિંહણ કે દીપડો હોવાની આશંકા છે, તેણે તેમના પર હુમલો કર્યો હતો. હુમલા બાદ પ્રાણી વૃદ્ધાને ઘસડીને દૂર લઈ ગયું હતું. આ હુમલામાં કમળાબેનને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.આ ઘટના અંગે તાત્કાલિક જશાધાર વન વિભાગને જાણ કરવામાં આવી છે અને વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓના હુમલાની આશંકાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. વન વિભાગ દ્વારા આ હિંસક પ્રાણીને પકડવા અને ગ્રામજનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં ભરવામાં આવશે તેવી અપેક્ષા છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા