ભરણપોષણના કેસમાં નાસતા ફરતા આરોપીને ગીરગઢડા પોલીસે ઝડપી પાડ્યો
ગીરગઢડા પોલીસે ભરણપોષણના કેસમાં કોર્ટ દ્વારા સજા ફટકારાયેલ અને લાંબા સમયથી નાસતા ફરતા એક આરોપીને પકડી પાડ્યો છે. આ આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ જૂનાગઢ સેન્ટ્રલ જેલ મોકલી દેવામાં આવ્યો છે.આ કેસની વિગતો મુજબ, કોડીનારની એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે ફોજદારી પરચુરણ અરજી નંબર ૧૧૨/૨૦૨૨ ના કામમાં આરોપી ધીરુભાઈ બાલુભાઈ ડોડીયા, રહે. સોનપરા ગામ, તા. ગીરગઢડા, ને ભરણપોષણના કેસમાં ૨૪૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. જોકે, આ આરોપી સજાથી બચવા માટે નાસતો ફરતો હતો.પોલીસ ઇન્સ્પેક્ટર યુ.બી. રાવલના માર્ગદર્શન હેઠળ, હરમડીયા આઉટપોસ્ટના ઇન્ચાર્જ એ.એસ.આઇ. ધીરેન્દ્રસિંહ જશાભાઈ સિંધવ, પો.કોન્સ. યશપાલસિંહ લખુભાઈ ડોડીયા, અમિતભાઈ બાલુભાઈ મોરી અને શૈલેષભાઈ દેદાભાઈ મોરીની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન, પો.કોન્સ. શૈલેષભાઈ અને અમિતભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે સજા વોરંટનો આરોપી ધીરુભાઈ ડોડીયા તેના સોનપરા ગામના ઘરે હાજર છે.બાતમી મળતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપી ધીરુભાઈ બાલુભાઈ ડોડીયા (ઉંમર ૪૨, વ્યવસાય: ખેતી) ને તેના રહેઠાણ પાસેથી પકડી પાડ્યો. કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ, આરોપીને જૂનાગઢ સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર યુ.બી. રાવલ, એ.એસ.આઇ. ધીરેન્દ્રસિંહ સિંધવ અને પો.કોન્સ. યશપાલસિંહ ડોડીયા, અમિતભાઈ મોરી અને શૈલેષભાઈ મોરીનો સક્રિય ફાળો રહ્યો હતો.
રિપોર્ટર ધર્મેશ ચાવડા