વડાલીની શેઠ સી જે હાઈસ્કૂલમાં ભણતા ધોરણ 7 ના વિદ્યાર્થીને અન્ય છાત્રો દ્વારા માર મારતા વાલીઓનો હોબાળો
વડાલી વડાલીની શેઠ સી.જે. હાઈસ્કૂલમાં ગુરુવારે ધો-7ના વિદ્યાર્થી પર શાળાના જ ત્રણ વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીની હાઇટ ઓછી હોવાને લઇ છોટિયો છોટિયો કહી ચીડાવી બેરહેમીથી માર મારી અને તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલાની જાણ વિદ્યાર્થીના પરિવાર અને બજરંગદળને થતાં શાળામાં પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. વિદ્યાર્થીને છાત્રોએ મોઢા પર નખૂરિયા મારતાં સારવાર અર્થે વડાલી સિવિલમાં સારવાર અર્થે લઇ જવાયો હતો. વડાલીની શેઠ સી.જે. હાઇસ્કૂલમાં ધો. 7ના એક વિદ્યાર્થીની હાઇટ ઓછી હોઇ શાળાના જ ત્રણ વિદ્યાર્થીઓ છોટિયો છોટિયો કહીને ચીડવતા હતા અને અપશબ્દો બોલતા હતા. અપશબ્દો બોલવાની ના પાડતાં ત્રણેય વિદ્યાર્થીઓએ ઉશ્કેરાઇ જઇ હિચકારો હુમલો કરી પેેટમાં લાતો મારી હતી અને મોઢા પર નખૂરિયા માર્યા હતા. આ ઘટનાની જાણ વિદ્યાર્થીના પરિવારજનો તેમજ બજરંગ દળના કાર્યકરોને થતાં શુક્રવારે સવારે શાળાએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. પીડિત વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે આજથી 4 મહિના પહેલા પણ આ જ વિદ્યાર્થીઓએ તેમના પુત્રને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે શાળાના શિક્ષકોનું ધ્યાન દોરવા છતાં કોઈ કાર્યવાહી કરાઇ ન હતી. જેના કારણે આ ગંભીર ઘટના બની છે. તેમણે ત્રણેય આરોપી વિદ્યાર્થીઓ સામે કડક પગલાં ભરવા માંગ કરી છે
અપશબ્દો બોલી પેટમાં લાતો મારી
બાળકના પિતાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે સ્કુલ છૂટ્યા બાદ મેદાનમાં ઝઘડો થયો હતો. મારા બાળકની હાઈટ ઓછી હોવાના કારણે છોટિયો છોટિયો કરીને ચીડાવતા હતા. જ્યારે છોટિયો ન કહેવાનું કહેતા અપશબ્દો બોલ્યા હતા અને માર માર્યો હતો પેટમાં લાતો મારી હતી.
પોલીસનો કોઇ રોલ નથી, વડાલી પીઆઇ
વડાલી પી.આઈ પી પી વાઘેલાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીના પરિવારજનોએ પોલીસમાં રજૂઆત કરી હતી પણ બાળકોની 12 વર્ષની ઓછી ઉંમર હોવાથી આમાં પોલીસનો કોઈ રોલ રહેતો નથી. જે પગલાં ભરવાના થાય તે શિક્ષણ વિભાગ દ્વારા ભરવાના થાય
રજૂઆત ધ્યાને આવી નથી
પ્રા.શાળાના આચાર્ય અમિતભાઈ ચૌધરીએ પીડિત પરિવારના આક્ષેપોનો ઇનકાર કરર્તા જણાવ્યું હતું કે ‘છમહિના અગાઉ વિદ્યાર્થીને માર માર્યો હોય કે ધમકી આપી હોય, તેવી કોઈ રજૂઆત વાલી તરફથી મારા ધ્યાને આવી નથી.
બજરંગ દળની સોમવારે વડાલી બંધની ચીમકી
બજરંગ દળના દેવ ચૌધરી અને રણજીત સગરે કડક વલણ અપનાવતાં જણાવ્યું હતું કે હજુ તો અમદાવાદની ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં આ બીજી ઘટના વડાલીમાં બની છે જો આરોપીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો સોમવારે વડાલી બંધનું એલાન કરાશે.
વડાલી સિવિલ ના ડો.સંક્તિ હડુલા દ્વારા જણાવાયું હતું કે છાત્રને સિવિલ સારવાર અર્થે લઈને આવ્યા હતા. મોઢા ઉપર ઈજાના નિશાન હતા અને બીજી તપાસ કરતાં બીજી કોઈ ઈજાઓ પહોંચી હોય તેવું જણાયુ ન હતું.
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891