જસાધાર રેન્જમાં દીપડાના મૃત્યુ કેસમાં બે આરોપીઓની ધરપકડ
ઉના તાલુકાના રાણવશી ગામ નજીક તા.૨૩.૦૮.૨૦૨૫ ના રોજ હાઇવે પર વાહન અથડાવીને એક દીપડાના મૃત્યુના મામલામાં, વન વિભાગે બે આરોપીઓની ધરપકડ કરી છે. જુનાગઢ જેલ હવાલે કરાયેલા આ આરોપીઓના નામ જયરાજસિંહ યોગરાજસિંહ વાળા (ઉંમર ૨૨) અને વિવેક સુભાષભાઈ ચચ્ચા (ઉંમર ૨૪) છે, જે બંને મહુવા, ભાવનગરના રહેવાસી છે.આ ઘટના જસાધાર રેન્જના કાર્યક્ષેત્રમાં બની હતી, જ્યાં અજાણ્યા વાહને એક નર દીપડાને ટક્કર મારીને તેનું મૃત્યુ નિપજાવ્યું હતું અને વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ગંભીર ગુનાની નોંધ લઈને, વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨ની વિવિધ કલમો હેઠળ અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, મે. વનસંરક્ષકશ્રી, વન્યપ્રાણી વર્તુળ જુનાગઢ, શ્રી રામરતન નાલા, મે. ના. વ. સં. શ્રી ગીર (પૂર્વ) વન વિભાગ ધારી, શ્રી વિકાસ યાદવ અને મ. વ. સં. શ્રી ઉના, શ્રી કે. પી. ભાટીયાના માર્ગદર્શન હેઠળ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ માટે અલગ-અલગ ટીમો બનાવીને ઘટનાસ્થળની આસપાસ સ્કેનિંગ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓનો પત્તો લગાવવામાં આવ્યો હતો.વન વિભાગની ટીમોને મળેલી બાતમીના આધારે, ઉપરોક્ત આરોપીઓને મહુવા ખાતેથી શોધી કાઢવામાં આવ્યા અને તેમની કાયદેસર ધરપકડ કરવામાં આવી. ગુનામાં ઉપયોગમાં લેવાયેલી મહિન્દ્રા થાર ગાડી પણ કબજે લેવામાં આવી છે.તા.૨૮.૦૮.૨૦૨૫ ના રોજ, આરોપીઓને ઉના કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, મે. એડી. ચીફ. જ્યુડી. મેજિસ્ટ્રેટ સાહેબ, ઉનાની કોર્ટે આરોપીઓના જામીન નામંજૂર કર્યા અને તેમને જુનાગઢ જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો.આ ગુનાની સફળ તપાસમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર એલ.બી. ભરવાડ, વનપાલ શ્રી એચ.ડી. બારોટ, શ્રી એમ.એચ. સૌંદરવા, શ્રી વી.આર. ચાવડા અને નવાબંદર રાઉન્ડ સ્ટાફ સહિતની સમગ્ર ટીમના સંયુક્ત પ્રયાસોથી આરોપીઓને ગણતરીના દિવસોમાં શોધી કાઢવામાં સફળતા મળી છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા