>
Sunday, September 7, 2025

ઉનાના નવાબંદર ગામેથી બોગસ ડૉક્ટર ઝડપાયો: ડિગ્રી વગર ક્લિનિક ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો

ઉનાના નવાબંદર ગામેથી બોગસ ડૉક્ટર ઝડપાયો: ડિગ્રી વગર ક્લિનિક ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો

 

ઉના: ગીર-સોમનાથ એસ.ઓ.જી. (સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ) એ ઉના તાલુકાના નવાબંદર ગામેથી એક બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યો છે. આ શખ્સ કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર જ ક્લિનિક ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યો હતો. પોલીસે તેની પાસેથી દવાઓ અને મેડિકલ સાધનોનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો છે.એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના ઇબ્રાહીમશા બાનવા, પ્રતાપસિંહ ગોહિલ (એ.એસ.આઇ.) અને રણજીતસિંહ ચાવડા (પોલીસ કોન્સ્ટેબલ) પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને ગુપ્ત માહિતી મળી હતી કે નવાબંદર ગામમાં એક શખ્સ ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવી રહ્યો છે.

આ માહિતીના આધારે, ટીમે મેડિકલ ઓફિસર ડૉ. સંકેતભાઈ એમ. મોરીને સાથે રાખીને નવાબંદર મદીના મસ્જિદ સામે આવેલા એક ક્લિનિક પર દરોડો પાડ્યો. દરોડા દરમિયાન, નિશશારએહમદ લાશાની સિદ્દીકી (ઉ.વ. ૨૫, રહે. ઉના, અનમોલ સોસાયટી) નામનો શખ્સ રંગેહાથ ઝડપાઈ ગયો.દવાઓ અને સાધનોનો જથ્થો જપ્ત

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે નિશશારએહમદ પાસે મેડિકલ પ્રેક્ટિસ માટે કોઈ માન્ય ડિગ્રી નહોતી. તેમ છતાં, તે પોતાના ક્લિનિકમાં લોકોને એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન્સ અને સારવાર આપી રહ્યો હતો. પોલીસે ક્લિનિકમાંથી જુદી જુદી એલોપેથીક દવાઓ, ઇન્જેક્શનની સિરપ, બોટલો અને અન્ય મેડિકલ સાધનો મળી કુલ ૧૯ વસ્તુઓ જપ્ત કરી હતી, જેની કુલ કિંમત રૂ. ૯,૪૯૪/- થાય છે.આ સમગ્ર મુદ્દામાલ સાથે ઝડપાયેલા બોગસ ડૉક્ટર સામે નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ચકચાર મચી છે અને પોલીસે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.કોઈપણ સારવાર લેતા પહેલા ડૉક્ટરની ડિગ્રી અને પ્રમાણપત્રની ખરાઈ કરવી અત્યંત જરૂરી છે. આવા બોગસ ડૉક્ટરો ગંભીર બીમારીઓ અને રોગોનું યોગ્ય નિદાન કરી શકતા નથી, જેના કારણે દર્દીના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores