વેટરનરી કોલેજ, કા.યુ., સરદારકૃષિનગર દ્વારા ધાનેરા તાલુકાના રામપુરા મોટા ખાતે પશુ સારવાર કેમ્પ અને પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવેલ
રાષ્ટ્રીય સેવા યોજના (NSS) એકમ અને વેટરનરી ક્લિનિકલ કોમ્પ્લેક્સ (VCC), પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, સરદારકૃષિનગર દ્વારા ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ, બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના રામપુરા મોટા ગામે એક દિવસીય પશુ સારવાર કેમ્પ અને પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ પશુઓને આવશ્યક આરોગ્ય સેવાઓ પૂરી પાડવો અને ખેડૂતોમાં વૈજ્ઞાનિક પશુપાલન પદ્ધતિઓ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. કેમ્પમાં સ્થાનિક ખેડૂતો, પશુપાલકો, NSS સ્વયંસેવકો, ફેકલ્ટી સભ્યો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ આયોજન મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ ડો. પી. વી. પરીખના માર્ગદર્શન હેઠળ થયું, જેમણે NSS એકમ અને વેટરનરી ક્લિનિકલ કોમ્પ્લેક્સ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચવાના પ્રયત્નોને બિરદાવ્યા હતા. ફેકલ્ટી સભ્યોની ટીમ જેમા ડો. આર. જે. રાવલ, ડો. સરિતા દેવી, ડો. પી. એમ. ચૌહાણ, ડો. જે. બી. પટેલ અને ડો. જી. એમ. ચૌધરી સહિતના પી..એચ.ડી. અને યુ.જી. વિદ્યાર્થીઓએ સમુદાયને સેવાઓ પૂરી પાડવામાં સક્રિય ભાગ લીધો.
કેમ્પ દરમિયાન કુલ ૧૫૨ પશુઓની તપાસ અને સારવાર કરવામાં આવી, જેમાં મુખ્યત્વે પ્રજનન સંબંધિત રોગો સાથે મેડીસીન અને સર્જરી સંબંધિત કેસોનો સમાવેશ થતો હતો. ખેડૂતોને મફત દવાઓ અને નિષ્ણાત ફેકલ્ટી સભ્યો તરફથી સલાહ આપવામાં આવી. ઉપરાંત, રામપુરા મોટા અને આસપાસના ગામોના ૮૫થી વધુ પશુપાલકોએ શિબિરમાં સક્રિય ભાગ લીધો હતો. ખેડૂતોમાં રોગપ્રતિકાર, સંતુલિત પોષણ તથા આધુનિક પશુપાલન પદ્ધતિઓ વિશે જાણકારી આપવામાં આવી હતી.
પશુપાલકોએ સમયસર મળેલી આરોગ્ય સેવાઓ અને સલાહ- સૂચનો માટે ફેકલ્ટી સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. ઘણા ખેડૂતોએ માન્યું હતું કે આવા કેમ્પ્સથી પશુઓની ઉત્પાદન ક્ષમતા વધે છે અને રોગોના કારણે થતી આર્થિક હાનિ અટકાવવામાં મદદ મળે છે.
આ કેમ્પનું સફળ સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર ડો. હર્ષદ. એ. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમને ડો. વસંત દેસાઈ (વેટરનરી ઓફિસર, નાના મેદા), સ્થાનિક પંચાયત તથા ગામના આગેવાનોનો સક્રિય સહયોગ મળ્યો હતો. અહેવાલ = પરબત દેસાઈ