ગીર સોમનાથમાં સસ્તા અનાજની હેરફેરનો પર્દાફાશ,ગીર ગઢડા અને ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યવાહી કરવા લોક માંગ
ગીર સોમનાથ જિલ્લામાં સરકારી સસ્તા અનાજની ગેરકાયદેસર હેરફેરનો મોટો પર્દાફાશ થયો છે. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા બંદર ખાતેથી એક રીક્ષામાંથી આશરે ₹56,850ની કિંમતનો શંકાસ્પદ અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
મળેલ બાતમીના આધારે, તંત્ર દ્વારા સુત્રાપાડા બંદર નજીક એક છકડો રીક્ષાને અટકાવીને તેની તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન, રીક્ષામાંથી ₹56,850ની કિંમતનો અનાજનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં 150 કિલોગ્રામ ચોખા, 100 કિલોગ્રામ ઘઉં અને બાલભોગના 20 પેકેટોનો સમાવેશ થાય છે. આ જથ્થો સરકારી યોજના હેઠળ ગરીબોને મળવાપાત્ર હોવાનું જણાયું છે.
તંત્રએ તાત્કાલિક ધોરણે રીક્ષા અને અનાજના જથ્થાને સીઝ કરીને આગળની તપાસ માટે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરી છે. આ કાર્યવાહી દર્શાવે છે કે ગીર સોમનાથ જિલ્લામાં સરકારી અનાજની કાળાબજારી અને ગેરકાયદેસર હેરફેર સક્રિય છે.આ ઘટના ગીર સોમનાથના અન્ય તાલુકાઓમાં પણ સસ્તા અનાજની વિતરણ વ્યવસ્થા પર સવાલો ઊભા કરે છે. સામાન્ય રીતે, સરકારી યોજનાઓ અને તેના નિયમો સમગ્ર રાજ્ય કે જિલ્લા માટે સમાન હોય છે. જોકે, અમલદારશાહી અને સ્થાનિક સ્તરે અમલીકરણમાં થતી બેદરકારીને કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. સુત્રાપાડામાં થયેલી આ કાર્યવાહી દર્શાવે છે કે તંત્ર સક્રિય છે, પરંતુ ગીર ગઢડા જેવા અન્ય તાલુકામાં પણ આવી જ સઘન તપાસ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે, જ્યાં આવી ગેરરીતિઓની ફરિયાદો અવારનવાર થતી રહે છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા