દંડનીય કાર્યવાહી: કાણોદરમાં શ્રીમુલ ઘીની ડેરીના ત્રણ સેમ્પલ ફેલ થતાં રૂ. 30 લાખનો દંડ.
ગત વર્ષે એક જ પેઢીમાંથી ફૂડ વિભાગ એ જુદા જુદા સેમ્પલ લીધા હતા.
પાલનપુરની ધાનવી એન્ટરપ્રાઇઝના આઠ સેમ્પલ ફેલ થયા બાદ ફૂડ સેફ્ટી વિભાગે 26 લાખનો દંડ કર્યો હતો. જે બાદ હવે કાણોદરની શ્રીમૂલ દૂધ ડેરીને જુદા જુદા ત્રણ કેસોમાં 30 લાખનો દંડ કરવામાં આવ્યો છે.
અહીં પ્રત્યેક કેસમાં દસ દસ લાખનો દંડ કરવામાં આવ્યો હોવાનું ફૂડ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. ફૂડ વિભાગે વિગતો આપતા જણાવ્યું કે ” પાલનપુર તાલુકાના કાણોદર ગામમાં વિપુલકુમાર રાવલ અને દિલીપ કુમાર રાવલની ઉંમરદશી નદી પાસે આવેલી શ્રીમુલ ડેરીમાંથી ઘીના જુદા જુદા સેમ્પલ લેવાયા.
જે લેબમાં સબ સ્ટાન્ડર્ડ આવ્યા બાદ તેના કેસો નાયબ કલેકટર ની કોર્ટમાં ચલાવવામાં આવ્યા હતા. અને જુદા જુદા કેસોમાં દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. ત્રણ કેસોમાં દસ લાખનો દંડ કરવામાં આવ્યો છે.. ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શ્રીમુલ પ્યોર ઘીના જુદા જુદા પેક ડબ્બા ફૂડ સેફટીની લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા.
જેમાં રિઝલ્ટ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. જે બાદ ફૂડ સેફ્ટી ના કેસો અંતર્ગત સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં નિવાસી કલેકટરની કોર્ટમાં જુદા જુદા ત્રણ કેસોમાં સુનાવણી હાથ ધરીને પ્રત્યેક કેસમાં દસ દસ લાખનો” દંડ કરવામાં આવ્યો છે.જેને લઈ ફફડાટ ફેલાયો છે.
શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો હતો.
ગત વર્ષે ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા સેમ્પલ લીધા બાદ જ્યાં સુધી તેનું લેબમાંથી રિઝલ્ટ ન આવે ત્યાં સુધી જથ્થો સીઝ રાખવામાં આવ્યો હતો. રીપોર્ટ પરબત દેસાઈ પાલનપુર