ગીરસોમનાથ SOGની મોટી કાર્યવાહી: ભેળસેળયુક્ત ઘીનો પર્દાફાશ, એક ઈસમ ઝડપાયો
વેરાવળ: ગીરસોમનાથ જિલ્લાની SOG ટીમે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓ સાથે મળીને વેરાવળ શહેરમાં ચાલી રહેલા ભેળસેળયુક્ત ઘીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.તા.૨૬/૦૯/૨૦૨૫ના રોજ ઈન્ચાર્જ પી.આઈ. શ્રી એન.એ.વાઘેલાના માર્ગદર્શન હેઠળ SOG સ્ટાફના દેવદાનભાઇ કુંભરવાડીયા, મેરામણભાઇ શામળા, ભુપતગીરી મેઘનાથી A.S.I. અને વિપુલભાઇ ટીટીયા પો.હેડ કોન્સ., કૈલાશભાઇ બારડ દ્વારા વેરાવળ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંયુક્ત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે વેરાવળ શહેરના પાટણ દરવાજા પાસે આવેલ ‘વોલ્ગા ઘી ડેપો’ નામની દુકાન પર દરોડો પાડ્યો હતો.
તપાસ દરમિયાન, દુકાન માલિક ગૌતમ રતિલાલ વાઘેલા (રહે. વેરાવળ, ૮૦ ફૂટ રોડ, આઝાદ સોસાયટી) દિવેલ (એરંડા તેલ), વનસ્પતિ તેલ અને સોયા તેલની ભેળસેળ કરીને તેને બ્રાન્ડેડ ‘માહી’ અને ‘એવર ગ્રીન’ ઘી તરીકે વેચી રહ્યો હોવાનું સામે આવ્યું હતું.
ઝડપાયેલો ઈસમ કોઈપણ પ્રકારના ફૂડ લાઇસન્સ વગર આ ભેળસેળયુક્ત ઘીનું વેચાણ ₹૩૦૦ થી ₹૭૦૦ના ભાવે કરી રહ્યો હતો. આશ્ચર્યજનક બાબત એ છે કે તે આ મિલાવટવાળા ઘી પર ‘Non edible’ (ખાદ્ય ન હોય તેવું) જેવા શબ્દો પણ લખીને ગ્રાહકોને છેતરી રહ્યો હતો.
SOG ટીમે સિનીયર ફૂડ સેફટી ઓફીસરશ્રી, ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનને સાથે રાખીને દુકાનમાંથી જરૂરી નમૂનાઓ લીધા હતા અને વધુ તપાસ માટે મોકલી આપ્યા છે. દુકાન માલિક ગૌતમ વાઘેલા વિરુદ્ધ બનાવટી અને ભેળસેળયુક્ત ઘીના વેચાણ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીથી ગીરસોમનાથ SOGએ જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વોને સબક શીખવ્યો છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા