>
Thursday, October 16, 2025

વડાલીના કોઠણ ગામમાં જીભ અંદર રાખતી દક્ષિણી મહાકાલી માતાજીની અનોખી મૂર્તિ..

વડાલીના કોઠણ ગામમાં જીભ અંદર રાખતી દક્ષિણી મહાકાલી માતાજીની અનોખી મૂર્તિ…

 

વડાલીના કોઠણમાં આવેલું દક્ષિણી મહાકાળી મંદિર શ્રદ્ધા અને તત્વજ્ઞાનના અનોખા સમન્વયનું જીવંત ઉદાહરણ બની ગયું છે.

આ મંદિરમાં માતાજીની અનોખી પ્રતિમા છે. જ્યાં માતાજીની જીભ અંદર છે. સામાન્ય રીતે મહાકાળી માતાજીની પ્રતિમામાં જીભ બહાર હોય છે. પૂર્વે ભટ્ટ મેવાડા બ્રાહ્મણો દ્વારા સ્થાપિત એક નાનકડી ડેરીની સ્થાપના કરાઈ હતી. આશરે 40 વર્ષ પૂર્વે તલોદના ફતેપુરના નારાયણગીરી રેવાગીરી ગોસ્વામીને માતાજીની પ્રેરણા થતાં તેમણે ગ્રામજનોના સહયોગથી અહીં એક મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે આ પાવનધામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરતું એક અદભુત શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે.

​સામાન્ય રીતે, મહાકાળી માતાની મૂર્તિઓ રૌદ્ર સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે, જેમાં તેમની જીભ બહાર હોય છે. પરંતુ કોઠણના આ મંદિરમાં માતાજીની પ્રતિમા અનોખી છે. અહીં માતાજીની જીભ અંદરની તરફ છે, જે ધૈર્ય, ક્ષમા અને આશીર્વાદરૂપ માતૃત્વ સ્વરૂપને દર્શાવે છે. આ પ્રતિમા શક્તિના શાંત અને સૌમ્ય સ્વરૂપનું પ્રતીક છે. રાજસ્થાનના જયપુરથી વિશેષરૂપે લાવવામાં આવેલી આ મૂર્તિની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ હતી.

​આ મંદિર ખાસ કરીને સંતાન પ્રાપ્તિની મનોકામના લઈને આવતા ભક્તોમાં અત્યંત લોકપ્રિય છે. મંદિરના પૂજારી નારાયણગીરી ગોસ્વામીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં અહીં 15 થી 16 હજાર પારણા બંધાઈ ચૂક્યા છે, જે ભક્તોની અતૂટ શ્રદ્ધાનો જીવંત પૂરાવો છે. છેલ્લા 30 વર્ષથી અહીં અખંડ જ્યોત પ્રજ્વલિત છે, જે ભક્તોની આસ્થાનું પ્રતીક બની છે. તેમણે વધુમાં ઉમેર્યું કે સમગ્ર ભારતમાં આવી મૂર્તિ માત્ર બે જ સ્થળોએ છે. એક કોલકત્તામાં અને બીજી વડાલીના કોઠણમાં આવેલી છે. આ મંદિરે મહિનાની દર પૂનમે આજુબાજુ ગામડાના ભક્તો પગપાળા માતાજીના દર્શને આવતા હોય છે. વધુમાં રામનવમી, દશેરા અને પૂનમના દિવસે દૂર-દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે અને આશીર્વાદ મેળવે છે. આ મંદિર ફક્ત એક પૂજાસ્થળ જ નહીં, પરંતુ ભક્તો માટે ભક્તો માટે આશા અને શાંતિનું ધામ બની રહ્યું છે.

 

બ્યુરો રિપોર્ટ…. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

 

 

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores