અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 215 મું અંગદાન.
વિશ્વ હૃદય દિવસે જ સિવિલ હોસ્પિટલને મળ્યું 69 મું હૃદય-દાન કરાયું
આઠમા નોરતે સિવિલ હોસ્પિટલને મળ્યું સાત અંગોનું દાન: આણંદના છત્રસિંહ રાઠોડના અંગદાનથી ૨ કિડની, હૃદય, લીવર, સ્વાદુપિંડ અને બે આંખોનું દાન પ્રાપ્ત થયું.
નવરાત્રિમાં સિવિલ હોસ્પિટલમાં થયેલું આ બીજું અંગદાન.
વિશ્વ હૃદય દિવસે યુએન મહેતા હોસ્પિટલમાં 59મું સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ – દર્દીને નવા હૃદયથી મળ્યું નવજીવન : ડૉ. ચિરાગ દોશી, ડાયરેક્ટર, યુ. એન. મહેતા હોસ્પિટલ
સિવિલ હોસ્પિટલ દ્વારા આજદિન સુધીમાં કુલ 891 અંગો તેમજ પેશીઓનું દાન મેળવવામાં આવ્યું છે : ડૉ. રાકેશ જોષી, મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
નવરાત્રિના પાવન દિવસોમાં અંગદાનનો સિલસિલો અવિરત ચાલુ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલને નવરાત્રિમાં બીજું અંગદાન પ્રાપ્ત થયું છે. આઠમા નોરતે સિવિલ હોસ્પિટલને 215મા અંગદાનથી સાત અંગોનું દાન મળ્યું છે. આણંદના છત્રસિંહ રાઠોડના અંગદાનથી ૨ કિડની, હૃદય, લીવર, સ્વાદુપિંડ અને બે આંખોનું દાન પ્રાપ્ત થયું છે.
આ અંગદાનમાં નોંધનીય યોગ એવો બન્યો કે વિશ્વ હૃદય દિવસે જ સિવિલ હોસ્પિટલને 69મું હૃદય-દાન પ્રાપ્ત થયું અને યુએન મહેતા હોસ્પિટલમાં 59મું સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ થયું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલને મળેલા 215મા અંગદાનની વિગતો જોઈએ તો આણંદમાં રહેતા અને ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા 45 વર્ષીય છત્રસિંહ મફતભાઇ રાઠોડ તા. 25મી સપ્ટેમ્બરના રોજ રસ્તા પર પડી જતાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સૌથી પહેલાં તેમને નડિયાદ હોસ્પિટલ લઈ ગયેલા પરંતુ ત્યાર પછી વધુ સારવાર અર્થે એ જ દિવસે રાત્રે 1018 કલાકે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન છત્રસિંહ રાઠોડને 28મી સપ્ટેમ્બરે ડૉક્ટર્સની ટીમે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. મોહિત ચંપાવત દ્વારા છત્રસિંહ રાઠોડની બ્રેઇનડેડ પરિસ્થિતિ અને અંગદાન વિશે સિવિલ હોસ્પિટલમાં હાજર તેમનાં પત્ની રંજનબહેન રાઠોડ તેમજ અન્ય હાજર સગાંઓને સમજાવતાં તેમણે છત્રસિંહ રાઠોડનાં અંગોનું દાન કરવા સંમતિ આપી હતી.
વિશ્વ હૃદય દિવસે થયેલા અંગદાનથી 69મું હૃદય દાનમાં પ્રાપ્ત થયું, જેને યુએન મહેતા હોસ્પિટલમાં અપાયું છે. યુ. એન. મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર શ્રી ડૉ. ચિરાગ દોશી જણાવે છે કે આ હૃદય-દાનથી વિશ્વ હૃદય દિવસે યુએન મહેતા હોસ્પિટલમાં 59મું સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ શક્ય બન્યું અને દર્દીને નવા હૃદયથી નવજીવન પ્રાપ્ત થયું છે.
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891