વેરાવળના સિડોકરમાં મોમાઈ માતાજીના મઢે પૂંજ ઉત્સવમાં શોકાંતિકા: શોર્ટસર્કિટથી ત્રણ ભક્તોના કરૂણ મોત
વેરાવળ: વેરાવળ તાલુકાના સિડોકર ગામે રબારી સમાજના આસ્થાના કેન્દ્ર સમા મોમાઈ માતાજીના મઢ ખાતે ચાલી રહેલા પૂંજ ઉત્સવના સમાપન પૂર્વે જ એક અત્યંત કરુણ ઘટના બની છે. નવરાત્રિની અષ્ટમી અને નોમના પવિત્ર પ્રસંગે યોજાયેલા આ ધાર્મિક ઉત્સવમાં આજે વહેલી સવારે શોર્ટસર્કિટ થતાં ત્રણ ભક્તોના વીજ કરંટથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે, જેના કારણે ઉત્સવની તમામ રોનક ગમગીનીમાં ફેરવાઈ ગઈ છે.વરસાદથી બચવા જતાં કાળનો ભેટો પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટના આજે વહેલી સવારે લગભગ સાડાચાર વાગ્યાની આસપાસ બની હતી. તે સમયે વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો હતો. વરસાદથી બચવા માટે, ત્રણ ભક્તો ચા ભંડારા પાસે ઊભા હતા અને ત્યાંથી તેઓ ઇલેક્ટ્રિક પેનલ બોર્ડ નજીક આશરો લેવા ગયા હતા. આ જ સમયે અચાનક વીજ પેનલ બોર્ડમાં શોર્ટસર્કિટ થયું, અને નજીક ઉભેલા ત્રણેય ભક્તો તેના સકંજામાં આવી ગયા. પ્રચંડ વીજ કરંટ લાગવાથી ત્રણેય યુવાનોએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો.મૃતકોની વિગતો આ કરુણ ઘટનામાં જે ત્રણ ભક્તોએ જીવ ગુમાવ્યા છે
* ભરત નારણભાઇ ગલચર (ઉ.વ. 18, રહે. તાલાલા)
* હર્ષલ ભરતભાઇ ચૌહાણ (ઉ.વ. 13, રહે. રોણાજ)
* કરશન ગોવિંદ મારુ (ઉ.વ. 45, રહે. વડોદરા ઝાલા)
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ત્રણેય મૃતકોના મૃતદેહોને વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. ગામમાં મોમાઈ માતાજીનો આ પૂંજ ઉત્સવ વર્ષોથી ખૂબ જ ભવ્ય રીતે યોજાય છે. આ વર્ષે પણ બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તેના પૂર્ણાહુતિના દિવસે બનેલી આ અણધારી અને દુઃખદ ઘટનાએ માત્ર સિડોકર ગામ જ નહીં, પણ સમગ્ર રબારી સમાજ અને આસપાસના વિસ્તારમાં ગમગીનીનો માહોલ સર્જી દીધો છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા