*અંબાજીમાં બે વર્ષમાં 48 લાખ માઈ ભક્તોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો*
____________
*અંબાજી મંદિરની નિ:શુલ્ક ભોજન વ્યવસ્થાને વ્યાપક આવકાર*
____________
(માહિતી બ્યુરો, પાલનપુર)
સમાચાર સંખ્યા :- ૪૪
વિશ્વ પ્રસિદ્ધ આસ્થાનું કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજી ખાતે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં માઈભકતો દર્શનાર્થે વર્ષ દરમિયાન આવતા હોય છે. જેમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. માં જગદજનનીના દર્શને આવતા માઇભક્તોને નિ:શુલ્ક ભોજન પ્રસાદ મળી રહે તે માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. જે આજે અવિરત ચાલી રહી છે.
અહીંયા ચાલતાશ્રી અંબિકા અન્નક્ષેત્રને આજે બે વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે બે વર્ષમાં કુલ 48 લાખ જેટલા માઇભક્તોએ નિ:શુલ્ક ભોજન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી છે. અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુ. 2024 ના રોજ યોજાયો હતો. આ પવિત્ર દિવસે જ માઈ ભક્તોને નિ:શુલ્ક ભોજન પ્રસાદ મળી રહે તે માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ સુવિધા શરૂ કરવામાં આવી હતી. અંબાજી આવતા માઈ ભક્તો શ્રી અંબિકા ભોજનાલયમાં ભોજન પ્રસાદ માટે પહોંચે છે. જ્યાં દરરોજના સરેરાશ અંદાજિત 7,000 થી વધુ માઈ ભક્તો ભોજન પ્રસાદનો નિઃશુલ્ક લાભ લે છે.
આ અંગે શ્રી અંબિકા અન્ન ક્ષેત્ર દાતાઓની કમિટીના સભ્ય હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, શ્રી અંબિકા અન્નક્ષેત્ર ખાતે શરૂ કરાયેલ નિ:શુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થાને બે વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. જેમાં બે વર્ષમાં કુલ 48 લાખથી વધુ માઈ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો છે અને દિવસે દિવસે માઈ ભક્તોની સંખ્યામાં અવીરત વધી રહી છે. ભાદરવી પૂનમ મહામાળા દરમિયાન મંદિર ટ્રસ્ટ અને સંસ્થાઓ દ્વારા 3.41 લાખ યાત્રિકોને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો.
દિવાળી અને નૂતન વર્ષના મીની વેકેશનને લઈ અંબાજી ધામ દિવાળી થી પાંચમ સુધીના દિવસમાં યાત્રિકોથી ઉભરાયું હતું. ત્યારે ભોજનાલયમાં પણ યાત્રિકોની ભારે ભીડ જોવા મળી રહી હતી. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ દિવસમાં અઢી લાખથી પણ વધુ યાત્રિકોએ નિઃશુલ્ક ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.
બોક્સ :
*રસોઈ માતાજીને થાળ સ્વરૂપે ધરાવાય છે*
શ્રી અંબિકા ભોજનાલય ખાતે આવેલા શ્રી અંબિકા અન્નક્ષેત્રના રસોડામાં તૈયાર થતી રસોઈને દરરોજ ચાંદીના ટિફિનમાં ભરીને સૌપ્રથમ માં અંબાને થાળ સ્વરૂપે ધરાવવામાં આવે છે. જ્યારે સવારે આરતીમાં માતાજીને ધરાવવામાં આવતો બાળ ભોગનો પ્રસાદ શ્રી અંબિકા અન્નક્ષેત્રમાં સવારના અને સાંજના બંને સમયે તૈયાર થતી રસોઈમાં ભેળવીને માઈભક્તોને ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે.
બોક્સ :
*કોરોના સમયે પ્રાયોગિક ધોરણે અન્નક્ષેત્ર શરૂ કરાયું હતું*
અંબાજી ખાતે માઈ ભક્તોને નિ:શુલ્ક ભોજન પ્રસાદ મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લાના તત્કાલીન કલેકટર અને મંદિર ટ્રસ્ટના ચેરમેન એ પ્રાયોગિક ધોરણે ત્રણ માસ માટે શ્રી જલીયાણ ફાઉન્ડેશનને અંબિકા ભોજનાલયનું સંચાલન આપ્યું હતું. જેથી તેના ટ્રસ્ટીઓ એ આ સેવાનું બીડુ ઝડપીને સાડા ચાર માસ સુધી નિ:શુલ્ક ભોજન પ્રસાદ માઈ ભક્તોને પીરસ્યો હતો. જેમાં કુલ ૮.૫૬ લાખ માઈભક્તોએ નિ:શુલ્ક ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. ત્યારબાદ છેલ્લા બે વર્ષમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શ્રી અંબિકા અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવતા માઈ ભક્તોને એક સુવિધાજનક વ્યવસ્થા સાથે પ્રસાદનો લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે.
અહેવાલ = એક ભારત ન્યૂઝ







Total Users : 162896
Views Today : 