સાબરકાંઠાના ઈડરના શિક્ષક સંદીપ પટેલ ‘કસક’ ને કોટામાં રાષ્ટ્રીય ક્રાંતિકારી નવાચારી શિક્ષક સન્માન
શિક્ષણ નગરી કોટામાં ૧૫ રાજ્યોના ૨૪૦ શિક્ષકો વચ્ચે ગુજરાતના શિક્ષકનું ગૌરવશાળી બહુમાન
ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાનું નામ શિક્ષણ જગતમાં રાષ્ટ્રીય સ્તરે રોશન થયું છે. ઈડરની શ્રીમતી એમ. જે. મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર, દિયોલી ખાતે ફરજ બજાવતા વિજ્ઞાન શિક્ષક, જાણીતા કવિ અને લેખક સંદીપ પટેલ “કસક” ને રાજસ્થાનના કોટામાં ‘રાષ્ટ્રીય ક્રાંતિકારી નવાચારી શિક્ષક સન્માન-૨૦૨૬’થી સન્માનિત કરવામાં આવ્યા છે.
શિક્ષા સાગર ફાઉન્ડેશન, રાજસ્થાન દ્વારા આયોજિત ‘રાષ્ટ્રીય શિક્ષક મહાકુંભ-૨૦૨૬’ અંતર્ગત ગત ૪ જાન્યુઆરીના રોજ કોટાના વિનોબા ભાવે નગર સ્થિત માલવ ધાકડ છાત્રાલય ખાતે એક ભવ્ય સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દેશના ૧૫ રાજ્યોમાંથી પસંદ કરવામાં આવેલા ૨૪૦ શ્રેષ્ઠ શિક્ષકો પૈકી ગુજરાતના ૪ શિક્ષકોને તેમના શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ નવતર પ્રયોગો (Innovations), સમર્પણ અને નૈતિક મૂલ્યલક્ષી શિક્ષણ આપવાના ભગીરથ કાર્ય બદલ બિરદાવવામાં આવ્યા હતા.
મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત કોટા વિભાગના જિલ્લા શિક્ષણાધિકારી (માધ્યમિક) રામ ચરણ મીણાએ સર્વે શિક્ષકશ્રીઓને પ્રશસ્તિ પત્ર, મેડલ અને પ્રતીક ચિન્હ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. મીણાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, આવા કર્મનિષ્ઠ શિક્ષકો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેના સાચા શિલ્પીઓ છે.
પોતાની આ સિદ્ધિનો શ્રેય સંદીપ પટેલે પરિવાર, સહકર્મીઓ અને પોતાના વિદ્યાર્થીઓને આપતા ભવિષ્યમાં પણ શિક્ષણ જગતમાં અવિરત સેવા અને નવાચારો કરતા રહેવાની કટિબદ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે ફાઉન્ડેશનના સ્થાપક શૈલેષભાઈ પ્રજાપતિ (ગુજરાત), નેશનલ મોટીવેટર સુરેશ રાણા, કાર્યક્રમ સંયોજક ભુવનેશ માલવ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સફળતા બદલ સાબરકાંઠા પંથકના શૈક્ષણિક અને સાહિત્યિક જગતમાં આનંદની લાગણી છવાઈ છે. શાળા પરિવાર દ્વારા સંદીપભાઈ ને અભિનંદન આપવામાં આવ્યા હતા.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 162956
Views Today : 