વડાલીમાં બે મોટા મિનરલ પ્લાન્ટના પાણીના નમૂના તપાસમાં ફેઈલ,
નગરપાલિકા એ પ્લાન્ટ બંધ કરવા નોટિસ ફટકારી
વડાલી નગરપાલિકા વિસ્તારમાં દૂષિત પાણીની ફરિયાદો અને કમળાના કેસો વધતા આરોગ્ય વિભાગ સક્રિય બન્યું હતું. વિભાગ દ્વારા કરાયેલી તપાસમાં સામે આવ્યું છે કે, બે મોટા મિનરલ વોટર પ્લાન્ટના પાણીના નમૂના માનવ વપરાશ માટે અયોગ્ય જણાયા છે. આરોગ્ય વિભાગના કલ્ચર રિપોર્ટમાં આ નમૂના ફેઈલ થતાં પાલિકાએ કડક કાર્યવાહી કરી છે.

તપાસ દરમિયાન, નગરપાલિકાના કોર્પોરેટર નારાયણભાઈ સગર (ડુગળા) સંચાલિત ‘ગણેશ વોટર પ્લાન્ટ’ અને ધરોઈ રોડ પર આવેલા અનંત પ્રજાપતિના ‘બ્રહ્માણી મિનરલ વોટર પ્લાન્ટ’ના પાણીના નમૂના અસુરક્ષિત જણાયા હતા.
રિપોર્ટ બાદ વડાલી નગરપાલિકાએ બંને પ્લાન્ટને નોટિસ ફટકારી છે. સૂચનાઓ મુજબ, મિનરલ વોટર પ્લાન્ટ અને બોટલિંગની પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવી પડશે. હાલના સ્ટોકમાં રહેલા પાણીના કેન કે બોટલના વેચાણ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ ઉપરાંત, પ્લાન્ટની મશીનરી, સ્ટોરેજ ટેન્ક અને ફિલ્ટર સિસ્ટમનું સંપૂર્ણ સેનિટાઈઝેશન કરી આર.ઓ./યુ.વી. સિસ્ટમની મરામત કરાવવાનો આદેશ પણ અપાયો છે. પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓના મેડિકલ રિપોર્ટ પણ રજૂ કરવા પડશે.
આ ઘટના બાદ સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. લોકો શુદ્ધ પાણી માટે પૈસા ખર્ચી રહ્યા હોવા છતાં તેમને અશુદ્ધ પાણી મળતું હોવાના પ્રશ્નો ઉભા થયા છે. તંત્રના અધિકારીઓની ભૂમિકા અને આવા એકમો સામે અગાઉ કાર્યવાહી કેમ ન થઈ તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલ નોટિસ ફટકારવામાં આવી છે, પરંતુ સંચાલકો સામે પોલીસ ફરિયાદ કે લાયસન્સ રદ કરવા જેવી વધુ કડક કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 163876
Views Today : 