>
Monday, March 23, 2026

વન પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની પહેલ: ડીસા બ્રિજ નીચે 10,000 રોપાઓ સાથે લહેરાશે હરિયાળી*

*વન પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની પહેલ: ડીસા બ્રિજ નીચે 10,000 રોપાઓ સાથે લહેરાશે હરિયાળી*

___________

*ડીસાના એલિવેટેડ બ્રિજ નીચે સર્જાશે ‘ગ્રીન કવર’: રૂ.3.14 કરોડના ખર્ચે ડીસાને ગ્રીન અને બ્યુટીફુલ બનાવાશે*

___________

(માહિતી બ્યુરો, પાલનપુર)

સમાચાર સંખ્યા:- ૧૫૪/૪૯

 

ડીસા શહેરની શોભા વધારવા અને પર્યાવરણીય સંતુલન જાળવવાના ઉમદા હેતુથી એલિવેટેડ બ્રિજ નીચે ગ્રીન કવર વધારવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. રૂ. 3.14 કરોડના અંદાજિત ખર્ચે સાકાર થનારા આ પ્રોજેક્ટ અંતર્ગત બ્રિજ નીચેની ખાલી જગ્યામાં આકર્ષક લેન્ડસ્કેપિંગ કરવામાં આવશે. આ વિસ્તારમાં પ્રોપર ફેન્સિંગ સાથે બોગનવેલ, જેટ્રોફા, ટેકોમા અને પીળી કરેણ જેવી વિવિધ સુશોભિત વનસ્પતિઓનું વાવેતર કરીને સમગ્ર પટ્ટાને નયનરમ્ય બનાવવામાં આવશે.

આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે બ્રિજના પિલ્લર્સને પણ કુદરતી સૌંદર્યથી મઢી લેવામાં આવશે. બ્રિજ નીચેના કુલ 50 જેટલા પિલ્લર પર ઇનોવેટિવ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે, જેના પર પડદાવેલ, એલામન્ડા, આઈસ્ક્રીમવેલ, અપરાજીતા અને મધુમાલતી જેવી આકર્ષક વેલાઓ ચડાવવામાં આવશે. આ વર્ટિકલ ગાર્ડનિંગના કન્સેપ્ટથી કોંક્રિટના પિલ્લર્સ ગ્રીન કવરથી ઢંકાઈ જશે, જે શહેરના પ્રદૂષણને ઘટાડવામાં પણ મદદરૂપ થશે.

 

વૃક્ષારોપણ સાથે નાગરિકોની સુવિધા માટે અહીં આધુનિક લેન્ડસ્કેપિંગની સાથે બેઠક વ્યવસ્થા (સીટિંગ એરેન્જમેન્ટ) અને સુવ્યવસ્થિત પાર્કિંગની સુવિધા પણ ઊભી કરવામાં આવશે. સમગ્ર એલિવેટેડ બ્રિજ નીચે અંદાજે 8,000 થી 10,000 જેટલા નાના-મોટા રોપાઓનું વાવેતર કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આ આયોજનથી ડીસાના પ્રવેશદ્વાર સમાન આ બ્રિજ વિસ્તારની સૂરત બદલાઈ જશે અને રાહદારીઓ તેમજ વાહનચાલકોને આહલાદક અનુભવ થશે.

 

ઉલ્લેખનીય છે કે, ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે, ત્યારે તેમના માર્ગદર્શન હેઠળ ડીસા વિધાનસભા ક્ષેત્રને હરિયાળું બનાવવા માટે આગળ વધી રહ્યા છે. ડીસા શહેરની પ્રદૂષણ મુક્ત અને પર્યાવરણ પ્રિય શહેર બનાવવાના મંત્રીશ્રીના વિઝનને આ પ્રોજેક્ટ નવી ગતિ આપશે.

***

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores