વડાલી ના જિનિંગ ફેક્ટરીઓમાં કેમિકલ યુક્ત પાણીથી ખેતીની જમીન ને નુકસાન..
ખેતીલાયક જમીનને મોટું નુકસાન..
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં ઉદ્યોગિક વિકાસના નામે ચાલી રહેલી પ્રવૃત્તિઓ હવે ખેડૂતો માટે વિનાશનું કારણ બની રહી છે. જીનિંગ ફેક્ટરીઓ દ્વારા છોડાતા કેમિકલયુક્ત પાણીના કારણે એક પ્રગતિશીલ ખેડૂતની ખેતીલાયક જમીન બરબાદ થવાની કગાર પર પહોંચી ગઈ છે. આ ઘટનાએ તંત્રની કામગીરી અને જવાબદારી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
વાડોઠ ગામના રહેવાસી ભીખાભાઈ પ્રભુભાઈ પટેલની ઘામડી પાટીયા નજીક આવેલી પૂર્વજોની જમીન વર્ષોથી તેમના પરિવારના ગુજરાનનો આધાર રહી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આસપાસની જીનિંગ ફેક્ટરીઓના પ્રદૂષણના કારણે પરિસ્થિતિ સતત ગંભીર બની રહી છે. માહિતી મુજબ, ફેક્ટરીઓમાં કપાસના બિયારણને પ્રોસેસ કરવા માટે ઘાતક એસિડ અને ઝેરી કેમિકલ્સનો મોટા પાયે ઉપયોગ થાય છે.
પર્યાવરણના નિયમો મુજબ, આવા પ્રદૂષિત પાણીને Effluent Treatment Plant (ETP) મારફતે શુદ્ધ કર્યા બાદ જ છોડવું ફરજિયાત છે. છતાં ખર્ચ બચાવવા માટે ફેક્ટરી સંચાલકો આ નિયમોની અવગણના કરી કેમિકલયુક્ત પાણી સીધું જ ખુલ્લી જમીનમાં છોડતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. પરિણામે આ દૂષિત પાણી જમીનમાં ઉતરી ભૂગર્ભ જળસ્તર સાથે ભળી રહ્યું છે, જેના કારણે આસપાસના કૂવાઓ પણ પ્રદૂષિત બની રહ્યા છે.
પીડિત ખેડૂતના ખેતરના કૂવામાંથી હાલ કાળા રંગનું, દુર્ગંધયુક્ત અને ફીણવાળું પાણી બહાર આવી રહ્યું છે, જે કેમિકલ પ્રદૂષણની સ્પષ્ટ નિશાની માનવામાં આવી રહી છે. આ પાણી ખેતી માટે સંપૂર્ણપણે અયોગ્ય બની ગયું છે. નિષ્ણાતોના મત મુજબ, આવા પાણીના ઉપયોગથી જમીન બાંઝ બની શકે છે તેમજ પશુઓ માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે.
આ અંગે ભીખાભાઈ પટેલે અંદાજે ૧૫ દિવસ પહેલાં વડાલી મામલતદાર કચેરી તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ને લેખિતમાં રજૂઆત કરી હતી અને સ્થળ પર તપાસ કરી પાણીના નમૂનાઓ લેવા માંગ કરી હતી. તેમ છતાં હજુ સુધી કોઈ અધિકારી સ્થળ પર પહોંચ્યો નથી. આ અંગે તેમણે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “મારી જમીન બરબાદ થઈ રહી છે, છતાં તંત્ર મૌન છે.”
સ્થાનિકોમાં પણ આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોમાં એવી ચર્ચા છે કે ફેક્ટરી માલિકોના પ્રભાવને કારણે તંત્ર કાર્યવાહી કરવામાં નિષ્ક્રિય બની રહ્યું છે.
આ મામલે GPCBના અધિકારી મનાલીબેનનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમની પાસે આવી કોઈ અરજી પ્રાપ્ત થઈ નથી અને અરજી મળશે ત્યારબાદ જરૂરી તપાસ હાથ ધરાશે.
બીજી તરફ વડાલી મામલતદાર હર્ષવર્ધન પરમારે જણાવ્યું હતું કે આ પ્રકારની કાર્યવાહી કરવાની સત્તા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે જ છે.
હાલમાં મોટો સવાલ એ છે કે તંત્ર ક્યારે સક્રિય બનશે? શું પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી આ મુદ્દો પણ ફક્ત કાગળો પર..
બ્યુરો રિપોર્ટ વિશાલ… ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 