>
Friday, April 3, 2026

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ હિંમતનગરના નવાનગર ખાતે ના પ્રાકૃતિક ફાર્મ અને સોમ સરોવરની મુલાકાત લીધી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ હિંમતનગરના નવાનગર ખાતે ના પ્રાકૃતિક ફાર્મ અને સોમ સરોવરની મુલાકાત લીધી

 

પશુપાલન ક્ષેત્રે ‘બ્રીડ ઈમ્પ્રૂવમેન્ટ’ દ્વારા ગુણવત્તાયુક્ત પશુધન તૈયાર કરવા રાજ્યપાલશ્રીનું આહવાન

 

જનભાગીદારીથી નિર્મિત ‘સોમ સરોવર’ અને સૂક્ષ્મ પિયત પદ્ધતિના મોડેલની રાજ્યપાલશ્રીએ કરી પ્રશંસા

સ્વસ્થ સમાજ અને જમીનની ફળદ્રુપતા માટે પ્રાકૃતિક કૃષિ સમયની માંગ: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

 

 

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નવાનગર ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતની સોમણી ગૌશાળાનું નિરીક્ષણ કર્યું હતું તેમજ ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યું હતું.

રાજ્યપાલશ્રીએ નવાનગર સ્થિત ‘સોમણી ગૌશાળા’ની મુલાકાત લઈ ગૌ-પૂજન કર્યું હતું. આ તબક્કે તેમણે ગૌશાળામાં રહેલી ૩૧૦ જેટલી દેશી ગાયોના આરોગ્ય અને દૂધ ઉત્પાદન ક્ષમતા અંગે પશુપાલન અધિકારીશ્રીઓ સાથે તકનીકી ચર્ચા કરી હતી. રાજ્યપાલશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પશુપાલનને વધુ નફાકારક બનાવવા માટે દેશી ગાયોમાં ‘બ્રીડ ઈમ્પ્રૂવમેન્ટ’ (નસલ સુધારણા) પર ધ્યાન આપવું જરૂરી છે. તેમણે પશુપાલકોને પરંપરાગત પદ્ધતિમાં જરૂરી સુધારા કરી ઉચ્ચ ગુણવત્તાયુક્ત બ્રીડ તૈયાર કરવા સૂચન કર્યું હતું.

નવાનગરના ગ્રામજનો દ્વારા જનભાગીદારીથી તૈયાર કરવામાં આવેલા ‘સોમ સરોવર’ની મુલાકાત લેતા રાજ્યપાલશ્રી પ્રભાવિત થયા હતા. આ સરોવર થકી સમગ્ર ગામની ખેતીલાયક જમીનને ડ્રીપ ઈરિગેશન (ટપક પિયત પદ્ધતિ) સાથે જોડીને પાણીનો જે કરકસરભર્યો ઉપયોગ કરવામાં આવે છે, તેને રાજ્યપાલશ્રીએ જળ વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.

 

સ્થાનિક ખેડૂતો સાથેના સંવાદમાં રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિના ફાયદા સમજાવતા કહ્યું હતું કે, રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવી એ આજના સમયની માંગ છે. તેમણે ખેડૂતોને પ્રાયોગિક ધોરણે ખેતરના એક નાના ભાગમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરવા પ્રોત્સાહિત કર્યા હતા, જેથી જમીનનું સ્વાસ્થ્ય જળવાય અને લોકોને શુદ્ધ આહાર મળી રહે.

 

આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજ સિંહ ગોહિલ, પ્રાંત અધિકારીશ્રી સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ અને પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores