*આંકોલવાડી ખાતે ‘વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ’ની ઊજવણી થઈ*
—————–
*રજોદર્શનને લગતા પ્રશ્નોનું સમાધાન અને ઉપયોગી માહિતી અપાઈ*
—————–
તાલાલા તાલુકાના આંકોલવાડી ખાતે ‘વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ’ની ઊજવણી નિમિત્તે દરેક કિશોરીઓ માટે એક સમાધાન સાથે સુનિયોજીત સલાહ અને માર્ગદર્શન મળી રહે તેવા ઉદ્દેશ્યથી કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં રજોદર્શનની શરુઆત ન થઈ હોય તેવી દીકરીઓને ખાસ માસિકસ્ત્રાવ શું છે? શા માટે થાય છે?, આ સમય દરમિયાન લેવાની કાળજી અને થતાં શારીરિક, માનસિક અને ભાવનાત્મક ફેરફારો વિશેની યોગ્ય સમજણ આપવામાં આવી હતી.
આ સેમિનારમાં ઉપસ્થિત કિશોરીઓને માસિક સ્ત્રાવ વિશેની ગેરમાન્યતાઓ વિશેની સમજણ, માસિક ધર્મની સ્વચ્છતા અને સાવચેતીની ચર્ચા, માસિક દરમિયાન મૂંઝવતા પ્રશ્નોની ચર્ચા, માસિક સમયે પૌષ્ટિક આહાર, સેનેટરી પેડ્સ નો ઉપયોગ અને નિકાલ સહિતની માહિતી દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી આપવામાં આવી હતી.
આયુષ્માન આરોગ્ય મંદિર આંકોલવાડીના કર્મચારી તૃષા વ્યાસ અને શીતલ કાંકરેચા તેમજ સહયોગી કર્મચારી રાધિકા વિરોલીયા અને મોસમી ચુડાસમા તથા કન્યા શાળાના શિક્ષક નિશાંતભાઈ મહેતા અને મિન્ટુબેન ડેડાણીયા દ્વારા કન્યા શાળા ખાતે ‘વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ’ની ઊજવણી કરવામાં આવી હતી
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે કિશોરીઓને સેનેટરી પેડ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ કિશોરીઓને મૂંઝવતા કેટલાંક પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું હતું.
0000 0000 00