>
Monday, August 25, 2025

મામલતદારશ્રી ગીર ગઢડાને આવેદનપત્ર પાઠવ્યું,ગીર ગઢડાના વેળાકોટ ગામમાં દારૂબંધીની માંગ, ગ્રામજનો દ્રારા મામલતદારશ્રીને કરાઇ રજૂઆત

મામલતદારશ્રી ગીર ગઢડાને આવેદનપત્ર પાઠવ્યું,ગીર ગઢડાના વેળાકોટ ગામમાં દારૂબંધીની માંગ, ગ્રામજનો દ્રારા મામલતદારશ્રીને કરાઇ રજૂઆત

 

ગીર ગઢડા તાલુકાના વેલકોટ ગામમાં વ્યાપક દારૂના દુષણથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગામમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાથી અશાંતિનો માહોલ છે અને અનેક પરિવારો બરબાદીના આરે પહોંચી ગયા છે. ગામલોકોએ આ મુદ્દે મામલતદારશ્રીને વિગતવાર રજૂઆત કરીને દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા અને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.પરિવારોમાં કલહ અને મહિલાઓ પર અત્યાચાર વેળાકોટ ગામના ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે દારૂના કારણે અનેક ઘરોમાં ભોજન પણ સમયસર બનતું નથી. દારૂનું સેવન કરનારા પતિઓ દ્વારા અભદ્ર ભાષાનો ખુલ્લેઆમ ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે માતાઓ, બહેનો અને બાળકો પર નકારાત્મક અસર થાય છે. ગામની મોટાભાગની વસ્તી મજૂરી પર નિર્ભર છે. દિવસ દરમિયાન મજૂરી કરીને કમાણી કરતી સ્ત્રીઓ પાસેથી પણ તેમના પતિઓ દારૂ પીવા માટે પૈસા છીનવી લે છે અને મારપીટ પણ કરે છે.યુવાધન દારૂના રવાડે, શિક્ષણથી વંચિત

સૌથી ગંભીર બાબત એ છે કે ગામની 90% યુવા પેઢી દારૂના રવાડે ચડી ગઈ છે, જેમાં 15 વર્ષની ઉંમરના કિશોરો પણ શામેલ છે. દારૂડિયાઓ દ્વારા જાહેરમાં ઝઘડા કરવામાં આવે છે અને ધાર્મિક તેમજ સામાજિક પ્રસંગોમાં પણ અડચણરૂપ બને છે. જેના કારણે મહિલાઓ અને સામાન્ય લોકો આવા પ્રસંગોમાં જોડાતા અચકાય છે. દારૂના કારણે અનેક પરિવારોમાં આત્મઘાત અને આત્મવિલોપનના કિસ્સા પણ બન્યા છે. આર્થિક રીતે નબળા પરિવારોમાં બાળકો નાની ઉંમરે મજૂરી કરવા મજબૂર બન્યા છે અને શિક્ષણથી વંચિત રહી જાય છે. શિક્ષણના અભાવે યુવાધન ખોટા માર્ગે દોરાય છે, જે બાળકોને શિક્ષણની જરૂર છે તે દારૂનું સેવન કરવા લાગ્યા છે.અગાઉની કાર્યવાહી બાદ ફરી વેચાણ શરૂ

ગ્રામજનોએ મામલતદારને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે અગાઉ તંત્ર દ્વારા દારૂના અડ્ડાઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી, જેનાથી ગામમાં શાંતિનો માહોલ છવાઈ ગયો હતો. આ કાર્યવાહી બદલ ગામલોકોએ તંત્રનો આભાર પણ માન્યો હતો. જોકે, પાંચ-સાત દિવસમાં જ દારૂનું વેચાણ ફરી શરૂ થઈ ગયું છે.ગામલોકોની કડક કાર્યવાહીની માંગ

વેળાકોટ ગામલોકોએ મામલતદારશ્રીને નમ્ર અપીલ કરી છે કે ગામમાં દારૂના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવે અને દારૂ વેચનારા બુટલેગરો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે. ગામલોકોએ આશા વ્યક્ત કરી છે કે આગામી સમયમાં તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવશે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores