*બનાસકાંઠા એસ.પી.શ્રી અક્ષયરાજ મકવાણા તથા ડી.વાય.એસ.પી.શ્રી સુબોધ માનકરનો વિદાય સમારંભ યોજાયો*
*એસ.પી.શ્રી અક્ષયરાજ મકવાણાએ બનાસકાંઠાને ગૌરવપૂર્ણ અને શ્રેષ્ઠ સેવાઓ આપી:- કલેકટરશ્રી મિહિર પટેલ*
*અહેવાલ શૈલેષ ઠાકોર*
સરકારશ્રી દ્વારા રાજ્યના 116 આઈ.પી.એસ અધિકારીશ્રીઓની બઢતી તથા બદલી અંતર્ગત બનાસકાંઠા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાની ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે તથા દિયોદર નાયબ પોલીસ અધિક્ષકશ્રી સુબોધ માનકરની બઢતી સાથે પોલીસ અધિક્ષકશ્રી કોસ્ટલ સિક્યુરિટી ગાંધીનગર ખાતે બદલી થતા આજરોજ કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે વિદાય સમારંભ યોજાયો હતો.
જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે બંને અધિકારીશ્રીઓને સાકર, શ્રીફળ તથા મોમેન્ટો આપીને જણાવ્યું હતું કે, ૩.૫ વર્ષ સુધી એસ.પી શ્રી અક્ષયરાજ મકવાણાએ આ જિલ્લાને ગૌરવપૂર્ણ અને શ્રેષ્ઠ સેવાઓ આપી છે. તેમણે ગત વર્ષનો ભાદરવી પૂનમનો મહામેળો કે જેમાં સાત દિવસ દરમિયાન ૩૫ થી ૪૦ લાખ લોકો મેળામાં આવ્યા હતા તે સમગ્ર મેળાના સફળ આયોજન બદલ એસ.પી શ્રીને શ્રેય આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, બનાસકાંઠામાં ચૂંટણી સહિત વી.આઈ
પી મૂવમેન્ટ સમયે પોલીસ અધિક્ષકશ્રીએ શ્રેષ્ઠ સેવાઓ આપી છે. તેમણે બંને અધિકારીશ્રીઓને આગળની પોતાની સરકારી સેવાઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવેએ જણાવ્યું કે, એસ.પી. તરીકે અક્ષયરાજ મકવાણા સહજ અને સરળ સ્વભાવ રહ્યો છે. ગમેતેવી કઠીન પરિસ્થિતિઓમાં પણ તેઓ હસતા મોઢે કામગીરી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમના નેતૃત્વમાં અનેક સારી કામગીરીઓ થઈ છે.
પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, કલેકટરશ્રીની લીડરશીપ અને માર્ગદર્શન હેઠળ ટીમ વર્ક તરીકે કામ કરવાનો મોકો મળ્યો તે હંમેશા યાદ રહેશે. તેમના ૩.૫ વર્ષના કાર્યકાળમાં ૭ વખત વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ તથા ૨૫ વખત મુખ્યમંત્રીશ્રીના સફળ કાર્યક્રમ યોજાયા હતા. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લો કે જ્યાં એક બાજુ આંતરરાષ્ટ્રીય સરહદ, રાજસ્થાનની સરહદ, પહાડી વિસ્તાર, રણ પ્રદેશ સહિતનો વિસ્તાર સહિત લીકર અને એન.ડી.પી.એસ સહિતના પડકારો હતા પરંતુ ટીમ બનાસકાંઠા સાથે હિંમત સાથે સુચારુ કામગીરી થઈ શકી છે. આ પ્રસંગે એસ.પી સુબોધ માનકરશ્રીએ પોતાની બનાસકાંઠાની યાદોને વાગોળીને દિયોદર પંથકના લોકો તરફથી મળેલ પ્રેમ હંમેશા યાદ રહેશે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમમાં સંકલનના તમામ અધિકારીશ્રીઓ બંને અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.