સહાય: બ.કાં.ના પૂર પીડિતોને પરિવાર દીઠ 5 હજારની સહાય મળશે
બનાસકાંઠા જિલ્લાના વાવ, સુઇગામ, ભાભર અને થરાદ પંથકમાં ભારે વરસાદથી તારાજી સર્જાઇ છે. સાતમા દિવસે પણ ગામોના ગામોમાં પાણી ભરાયેલા છે. આવી સ્થિતિ વચ્ચે અસરગ્રસ્તોને સહાય ચૂકવવા માટે બનાસકાંઠા વહિવ ટીતંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં સૌ પ્રથમ ઘર વખરી અને કપડાં માટેની સહાયનો સર્વે 100 ટીમો દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.
જેની ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂરી થયા બાદ પરિવાર દીઠ રૂપિયા 5000ની સહાય સીધી બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. જે પછી મકાન સહાય નુક્સાનની ટકાવારી પ્રમાણે આપવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા આચાર્ય, તલાટી, ટેકનિકલ કર્મચારી સાથેની અલગ-અલગ કુલ 100થી વધારે ટીમો બનાવી સર્વે હાથ ધરાયો છે.
ટીમો દ્વારા સર્વેમાં ઘરોમાં પાણી ભરાવાથી થયેલા નુક્સાનનું મૂલ્યાંકન, ઘરમાં રહેલા લોકોની ખોરાક, પાણી અને આરોગ્ય સંબંધિત તાત્કાલિક જરૂરિયાતો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને થતી મુશ્કેલીની નોંધણી, તાત્કાલિક દવાઓ તથા આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અંગે માહિતી મેળવી પૂરગ્રસ્ત નાગરિકોને સરકાર તરફથી મળનારી સહાય માટેની જરૂરી વિગતોનો અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. રીપોર્ટ પરબત દેસાઈ પાલનપુર