ગીર ગઢડા: બિસ્માર રસ્તાઓની સમસ્યા, સ્થાનિકો ત્રાહિમામ
ગીર ગઢડા,વિકાસની વાતો કરતી સરકાર અને પ્રજા પાસેથી કરોડો રૂપિયાનો વેરો વસૂલતી સરકાર ગીર ગઢડાના નાગરિકોને સુવિધાયુક્ત રસ્તાઓ આપવામાં નિષ્ફળ નીવડી છે. ગીર ગઢડા તાલુકાના મધ્યમાં આવેલો અને અનેક ગામડાં તેમજ તાલુકાને જોડતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે, જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ખાસ કરીને ગીર ગઢડા-2 નંબરથી સરકારી હોસ્પિટલ સુધીનો રસ્તો તો એટલો ખરાબ છે કે અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે.સ્થાનિક પ્રશાસન પર ઉઠતા સવાલો ગુજરાત સરકારે રસ્તાઓનું સમારકામ ઝડપથી કરવા માટે અનેકવાર આદેશો આપ્યા છે, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા આ આદેશોનું પાલન થતું હોય તેવું લાગતું નથી. છેલ્લા ઘણા સમયથી રસ્તાઓની હાલત સુધારવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે ગીર ગઢડાને તાલુકો જાહેર કરાયાને ઘણા વર્ષો વીતી ગયા, તેમ છતાં તાલુકા મથકને અનુરૂપ કોઈ વિકાસ થયો નથી.
નેતાઓની મુલાકાતથી જ સુધરશે હાલત?
સ્થાનિક લોકોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે જ્યાં સુધી ગુજરાતના મુખ્યમંત્રી કે કેન્દ્રમાંથી કોઈ મોટા નેતા અહીં મુલાકાત ન લે, ત્યાં સુધી રસ્તાઓની હાલત સુધરવાની નથી. પ્રશાસનની આ બેદરકારી અને ઉદાસીનતાથી લોકોમાં હતાશાનું વાતાવરણ છે. સ્થાનિક તંત્ર પ્રજાના પ્રશ્નો પ્રત્યે ગંભીર નથી એવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે આ બિસ્માર રસ્તાઓનું સમારકામ ક્યારે થાય છે અને સ્થાનિક પ્રશાસનના પેટનું પાણી ક્યારે હાલે છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા