ગીર ગઢડાના નિતલી ગામે ખેડૂતની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયો
ગીર ગઢડા તાલુકાના નિતલી ગામે પોતાની વાડીમાં મગફળીનું રખોપું કરવા ગયેલા એક ખેડૂતની કરપીણ હત્યાનો ભેદ ગીર ગઢડા પોલીસ, જિલ્લા LCB અને SOG દ્વારા ગણતરીની કલાકોમાં ઉકેલી નાખવામાં આવ્યો છે. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ પુરાવાના આધારે આરોપીને ઝડપી પાડી ગુનાનો પર્દાફાશ કર્યો છે.નિતલી ગામના વતની ખેડૂત રામજીભાઈ વલ્લભભાઈ છેલડિયા પોતાની વાડીમાં મગફળીનું રખોપું કરવા માટે ગયા હતા. આ દરમિયાન તેમની અજ્ઞાત કારણોસર હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ ગીર ગઢડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, જિલ્લા LCB અને SOGની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ટીમોએ સંયુક્ત રીતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.પોલીસની ટીમોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને માનવીય અને ટેકનિકલ પુરાવાઓ એકઠા કર્યા હતા. આ પુરાવાઓના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી શૈલેષ અરજીભાઈ પાટડિયાને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન હત્યાનું ચોંકાવનારું કારણ સામે આવ્યું હતું.હત્યા પાછળનું કારણ:પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી શૈલેષ પાટડિયાને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. આ શંકાના વહેમમાં તેણે રામજીભાઈની હત્યા કરી હોવાનું કબૂલ્યું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.આ કેસમાં ગીર ગઢડા પોલીસ, જિલ્લા LCB અને SOGની ટીમો દ્વારા દાખવવામાં આવેલી ઝડપી અને અસરકારક કામગીરીને કારણે ગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં જ ઉકેલી શકાયો.
રિપોર્ટર ધર્મેશ ચાવડા